________________
શાસ્ત્રકાર આ ગાથામાં ‘ઘટપટ આદિ' જાણનાર વ્યકિતનું જે ચિત્ર બતાવે છે તે સામાન્યકક્ષાનો જીવ છે. એટલે તે સ્થૂલ પદાર્થોને અનુભવે છે અને માને છે. માનવું તે શ્રધ્ધાનો વિષય હોવા છતાં અહીં શ્રધ્ધાના અભાવમાં માને છે તેમ લખ્યું નથી. ‘માને છે' તેનો અર્થ તે જીવ જે પદાર્થને જાણે છે, તેટલા જ પદાર્થનો સ્વીકાર કરે છે અને જે પદાર્થને જાણતો નથી, તેનો સ્વીકાર પણ કરતો નથી. આમ તેનું જ્ઞાન સીમિત છે. અહીં સિધ્ધિકાર આવા સામાન્ય જીવના આધા૨ે સમસ્ત મનુષ્યોને લક્ષમાં રાખીને એક નવો જ તર્ક આપે છે અને આશ્ચર્ય પ્રગટ કરે છે કે જુઓ તો ખરા ! આમ સાધારણ પદાર્થને જાણે છે, માને છે પરંતુ આ ભાઈ, જે જાણનાર છે, તેને ઓળખતો નથી. જે અંદરથી જ્ઞાન કરે છે, તે જ્ઞાતા વિષે તેને જરા પણ ખ્યાલ નથી. આ રીતે આશ્ચર્ય કરીને કહે છે કે, ‘કહો, આ તો કેવું જ્ઞાન છે ?' અર્થાત્ કેટલું ટૂંકું જ્ઞાન છે ? કેટલી વિચિત્ર અવસ્થા છે ? કેવો વિર્તક છે ? કે જાણનાર પોતે જ અંધારામાં છે.
આ આશ્ચર્યમાં બે પ્રકારના જ્ઞાનની અભિવ્યકિત થઈ છે.
(૧) પદાર્થનું જ્ઞાન અને (૨) જ્ઞાતાનું જ્ઞાન.
જ્ઞાન બંનેને ઓળખી શકે છે, ગાથામાં તેવો સ્પષ્ટભાવ છે, જે જ્ઞાન પદાર્થને જાણે છે તે જ્ઞાન સ્વમુખી થાય અર્થાત્ પોતા તરફ વળે અને ઊર્ધ્વ દૃષ્ટિ કરે, તો જ્ઞાતાને પણ જાણી શકે છે. જે દૃષ્ટિ દૃશ્ય તરફ હતી હતી તે દૃષ્ટિ પરાવૃત થઈને દૃષ્ટા તરફ વળીને દૃષ્ટાને પણ જુએ છે. આગળના પદોમાં જે દૃષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ' ઈત્યાદિ ભાવોને સ્પર્શ કરનારી આ ગાથા પુનઃ એ જ ભાવોને સ્પર્શે છે. આ ગાથામાં કવિ જ્ઞાતા અને જ્ઞાનને જ્ઞપ્તિરૂપે પુનઃ અભિવ્યકત કરે છે. અહીં સાથે સાથે આશ્ચર્ય પણ કર્યું છે. ખરું પૂછો તો આ આશ્ચર્ય કરૂણા ભાવનું દ્યોતક છે. અહીં કોઈની હાંસી કે પરિહાસ કર્યો નથી પરંતુ કૃપાભાવ પ્રગટ કર્યો છે. જીવ જો જાણનારને જાણે, તો પદાર્થના રખડપાટથી પાછો વળી કેન્દ્ર સુધી પહોંચી જાય અને જાણનારના સ્વરૂપને જાણીને તેમાં રમણ કરે, તો પદાર્થની માયામાંથી મુકત થઈ જાય તથા ક્ષણિક સુખોના તરંગમાંથી વિમુકત થઈને શાશ્વત સુખના આનંદ સાગરમાં સ્નાન કરી શકે.
કવિશ્રીના આશ્ચર્યમાં આવો અતિ ઉત્તમ વિવેક ભરેલો કરૂણામય ઉદાત્તભાવ છે અને તેથી બોલી ઊઠે છે કે ‘કહો આ કેવું જ્ઞાન છે ?' અર્થાત્ ક્ષણિકજ્ઞાન છે તે પરિણામ શૂન્યજ્ઞાન છે. જેમ કોઈ માણસ યાત્રા કરી રહ્યો છે તે જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં ફકત સ્થાનને જ જુએ છે. પરંતુ તેને પૂછવામાં આવે કે કયાં જવું છે ? તો તેને ખબર નથી. તો કહો કે આ કેવી યાત્રા ??? અર્થાત્ લક્ષહીન યાત્રા છે. અહીં સિધ્ધિકાર પણ કહે છે કે ‘કહીએ આ કેવું જ્ઞાન' અર્થાત્ આ લક્ષ વગરનું જ્ઞાન છે. જે સામે છે તેટલું જ જૂએ છે, પરંતુ જ્ઞાનની યાત્રા જયાં પરિપૂર્ણ થાય છે, તેવા જ્ઞાતા સુધી જવાનું કે તેને જાણવાનું જ્ઞાન નથી અને તે જાણનારને જાણતો પણ નથી કે મારે જાણનારને જાણવો છે, તેવું લક્ષ પણ નથી. તો આવા અપૂર્ણજ્ઞાનથી તેની જીવનયાત્રા અપૂર્ણ રહી જવાની છે.
પ્રશ્ન : સામાન્ય રીતે જીવ પદાર્થને જાણે પણ જાણનારને ન જાણે, તો તેમાં તેને શું હાનિ થવાની છે ? જેટલું જાણે છે તેટલું માને છે અને તેમાં તેટલું સુખદુઃખ ભોગવે છે તો તેને કંઈ રીતની અપૂર્ણતા કે ખામી રહી જાય છે ?
(૧૦૧),