________________
આ ગાથામાં ઉબોધન કર્યું છે અથવા આત્મસત્તાને ઓળખાવી છે. તો એમ કહી શકાય કે આ ઓળખ જ્ઞાનચેતના કરી શકે તેમ છે. જ્ઞાનચેતનામાં અંતઃકરણ, ચિત્ત તથા મન આદિ ઓછા-વધતા અંશે જોડાયેલા છે. સૌ પ્રથમ જ્ઞાનચેતનામાં જ્ઞાનપર્યાય ઉદ્ભવે, તે અધ્યવસાય રૂપે પરિણમે, ત્યારપછી તેનું પ્રતિબિંબ ચિત્તમાં પડે છે અને ત્યાર પછી એ જ્ઞાનભાવનો મનમાં સંચાર થાય છે. આ રીતે ઉપજતી જ્ઞાનપર્યાયમાં કે જ્ઞાનચેતનામાં આત્મસત્તાનો આભાસ થાય છે. દેહથી ભિન્ન એવી આત્મસત્તાનું ભાન થવું, તે આ ગાથાનું મુખ્ય લક્ષ્ય છે. કોણ ભાન કરશે ? તે અધ્યાહાર છે પરંતુ સ્પષ્ટ છે કે આ ગાથા જે સાંભળે છે, તે જ આત્મસત્તાનું ભાન કરશે. સાંભળનારો, સમજનારો કે આ વિવેક ભાવ કરનારો આત્મા જ છે. જેમ આંધળો માણસ પોતાનો હાથ પોતાના શરીર પર ફેરવી શરીરની ઓળખાણ કરે છે, તે રીતે જ્ઞાનપર્યાયરૂપ અંતઃકરણથી ઊર્ધ્વગામી બનેલી ચેતના પોતાના તરફ વળીને આત્માને ઓળખે છે, તેનો અગમ્ય અનુભવ કરે છે. આત્મસત્તાનો આભાસ થતાં દેહ, પ્રાણ અને ઈન્દ્રિયોનું સાચું મૂલ્યાંકન થાય છે. આત્મસત્તાની ઓળખ વિના આ બધા દ્રવ્ય ઉપકરણો પ્રધાન હતા અને તેઓ માલિકને જાણ્યા વિના પોતાની રીતે પ્રવર્તમાન થઈ રહ્યા હતા પરંતુ જ્યારે આત્મસત્તાનું જ્ઞાન થયું, ત્યારે તેઓની પ્રવૃત્તિમાં પણ ઘણું મોટું પરિવર્તન આવે છે. ભાન થયા પછી પણ તેઓ પ્રવર્તમાન તો રહેવાના જ છે પરંતુ આત્માનો આભાસ થયા પછી પ્રવર્તમાન દશા પણ નિર્મોહવાળી હોવાથી ઉપકારી બની જાય છે.
ઉપસંહાર – આખી ગાથાનો સાર એ છે કે પ્રવર્તમાન જીવનતંત્રને ચલાવનાર અને જેની હાજરીથી જીવનતંત્ર ચાલે છે તેનો સાક્ષાત્કાર કરવો, એ અમૃત બિંદુ ઉપર મનને લઈ જવાનું છે. માટી અને સોનું એક સાથે ભળેલા છે. માટી સોનાને ઓળખતી નથી પરંતુ સ્વર્ણકાર સોનાને ઓળખે છે અને આ સોનાની હાજરીથી જ માટી મૂલ્યવાન હતી. માટી તો માટી જ છે પણ સોનુ સારભૂત છે. તેમ દ્રવ્ય ઉપકરણો અને દેહાદિ તો હકીકતમાં માટી જ છે પણ આત્મરૂપી કંચન તે જ ગુણવાન છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દેહ ઉપરથી દૃષ્ટિ હટાવીને આત્મસત્તા ઉપર દૃષ્ટિ જવી જોઈએ. આત્મસત્તાની હાજરીનું ભાન થતાં જીવને પોતાનું ભાન થશે અને અજર અમર એવી આત્મસત્તાને ઓળખતાં જ પોતે અજર અમર છે, તેવું જ્ઞાન થતાં, સર્વ ભયથી સ્વયં વિમુક્ત થઈ જશે.
આટલા ઉપસંહારથી અને સ્પષ્ટતાથી ગાથાનું મંતવ્ય તથા આત્મસત્તા પણ સ્પષ્ટ થઈ જાય છે અને સાધક આત્મસિદ્ધિમાં એક પગલું આગળ વધે છે. હવે પછીની બધી ગાથાઓ પણ આત્મલક્ષી છે. અલગ-અલગ તર્કથી આત્માનું જ લક્ષ્ય કરે છે, આત્માની ઓળખ આપે છે.
SSSSSSSSSSSSSSSSSSSSSS