________________
બીજા પક્ષમાં સ્વયં રાજાધિરાજ આત્મા છે. બંનેને પોતપોતાની જગ્યાએ ગોઠવીને તેનો વિવેક કરવામાં આવ્યો છે. આ વિવેકનું માધ્યમ ખૂબ જ સુંદર રીતે પ્રગટ કર્યું છે. જીવની આ ત્રણે શક્તિ સમર્થ અને સુંદર હોવા છતાં અને તેમાં ઘણા ગુણો હોવા છતાં એક જ્ઞાન ગુણ નથી, તેથી સિદ્ધિકારે કહ્યું છે કે દેહ પણ તેને જાણતો નથી અને પ્રાણ તથા ઈન્દ્રિયો પણ તેને જાણતા નથી. તેહને' કહીને કવિરાજે અદ્રશ્યમાન એવી બીજી સત્તાનો ઉલ્લેખ કર્યો છે. આ ત્રણે તેને જાણતા નથી અર્થાત્ કોને જાણતા નથી ? જે તેને સંચાલિત કરે છે, તેને જાણતા નથી. આ પ્રથમ પદમાં સ્વતંત્ર રીતે બે વાર જાણતા નથી, બેવડાઈને જાણતા નથી, એમ કહ્યું છે. જો કે અહીં એકવાર પણ કથન કરવાની શક્યતા હતી. દેહ, પ્રાણ અને ઈન્દ્રિયો તેને જાણતા નથી એમ સંક્ષેપમાં કહેવાનો અવકાશ હતો, તેમ છતાં શાસ્ત્રકારે આ અવકાશનું ઉલ્લંઘન કરીને દેહ તેને જાણતો નથી તેમ કહ્યું અને પછી ફરીથી પ્રાણ અને ઈન્દ્રિયો, પણ તેને જાણતા નથી એમ કહીને દ્વિરુક્ત ભાવ પ્રગટ કર્યો છે. આ દ્વિરુક્ત ભાવ પ્રગટ કરવામાં શાસ્ત્રકારે એક સ્વતંત્ર સંજ્ઞાનો ઉલ્લેખ કર્યો છે અર્થાત્ દેહ, પ્રાણ અને ઈન્દ્રિયો, એ ત્રણેને સંજ્ઞા નથી. દેહની સંજ્ઞા દેહથી ઉપજતા સુખદુઃખાદિ ભાવો સુધી સીમિત છે અને દેહમાં આ બધા ભાવો હોવા છતાં દેહ આત્મસત્તાને ઓળખતો નથી. તે પોતાના સુખદુઃખનું જ વેદન કરે છે. જ્યારે પ્રાણ અને ઈન્દ્રિયોની સંજ્ઞા દેહની સંજ્ઞા કરતા વિશિષ્ટ છે. તેમાં પદાર્થને પારખવાની શક્તિ છે પરંતુ આ પારખનાર કોણ છે તેને ઓળખતા નથી. દેહ કરતા ઈન્દ્રિય અને પ્રાણની ચેતના વધારે છે, છતાં તેને જે ચૈતન્ય પ્રદાન કરે છે, તે ચૈતન્યદાતાથી તે અજાણ છે. શાસ્ત્રકારે ખૂબ જ ખૂબીથી દેહમાં કામ કરતી આત્મસત્તા અને ઈન્દ્રિય તથા પ્રાણમાં કામ કરતી આત્મસત્તા, બધાના સામર્થ્ય અને કાર્યશેલીનો સામાન્ય ઉલ્લેખ કરીને એમ કહ્યું છે કે દેહની જે ગુપ્ત શક્તિ છે તથા પ્રાણ, ઈન્દ્રિયની જે ગુપ્ત શક્તિ છે, આ સૂક્ષ્મ અને ગુપ્ત શક્તિનો પ્રદાતા શક્તિમાન, એ ત્રણેથી ભિન્ન છે અને આ ત્રણે બાપડા તેને જાણતા નથી, તેવો તે અણુ અણુમાં સત્તારૂપે વ્યાપ્ત રહીને આ ત્રણે અંગોને પ્રવર્તમાન કરે છે. જે આત્મસત્તાની દિવ્યતા છે.
ખાસ વાત ઃ દેહ, પ્રાણ તથા ઈન્દ્રિયો “તેહને” એટલે આત્માને જાણતા નથી, કારણકે તેમાં જ્ઞાન સત્તા નથી એમ સ્પષ્ટ દર્શાવ્યું છે પરંતુ આ જ્ઞાન સત્તા આત્મામાં છે તેમ વિપરીત ભાવે કહેવું જોઈતું હતું અને પરસ્પર એક પક્ષમાં જ્ઞાનનો સદ્ભાવ અને બીજા પક્ષમાં જ્ઞાનનો અભાવ, તેવો શાસ્ત્રકારનો અભિપ્રાય હતો પરંતુ તેવો સ્પષ્ટ ઉલ્લેખ ન કરતાં શાસ્ત્રકારે ફક્ત આત્માની સત્તાની જ વાત કરી છે અર્થાત્ એક તરફ જ્ઞાનનો અભાવ છે અને બીજા પક્ષમાં આત્માની સત્તા છે, એમ કહ્યું છે. જ્ઞાનસત્તા એમ ન કહેતા આત્મસત્તા એમ કહેવામાં શાસ્ત્રકારનો એક રહસ્યભાવ પ્રગટ થાય છે.
શાસ્ત્રકાર એમ કહેવા માગે છે કે દેહ, પ્રાણ અને ઈન્દ્રિયો, જ્ઞાન ન હોવા છતાં પ્રવર્તમાન થાય છે. તેને પ્રવર્તમાન થવામાં આત્મદ્રવ્યની ફક્ત ઉપસ્થિતિ માત્ર કારણ છે. હકીકતમાં જ્ઞાનસત્તા એ કોઈપણ બીજા દ્રવ્યમાં કારણભૂત નથી. નિશ્ચયનયથી જ્ઞાન એ નિષ્ક્રિય કેવલ દર્શક તત્ત્વ છે. જ્ઞાનમાં પોતાની ક્રિયા છોડીને અન્ય પદાર્થનું કર્તવ્ય સંભવ નથી અને તે જ રીતે નિશ્ચયનય પ્રમાણે આત્મા બીજા દ્રવ્યનો કર્તા પણ નથી, તેથી અહીં જ્ઞાનસત્તા કે આત્માને કર્તા
(