________________
છે. મનુષ્યનું મસ્તિષ્ક, ઈન્દ્રિયો અને દેહ, આ ત્રણે પ્રાણના આધારે જીવિત રહે છે. પ્રાણ તે બાહ્ય જગત સાથે વ્યક્તિના જીવનને જોડનારી એક પ્રાકૃતિક અદ્રશ્ય શક્તિ છે. પ્રાણીઓના શરીરની રચના કે ભાષા ભિન્ન ભિન્ન હોય પરંતુ એક પ્રાણ જ એવી સમાનતા ભરેલી ક્રિયા છે, જે એકેન્દ્રિય આદિ જીવોથી લઈને સમગ્ર જીવરાશિમાં સમાન રૂપે વ્યાપ્ત છે. એક ક્ષણનો પ્રાણ જીવનને જીવવા માટે સામર્થ્ય પ્રદાન કરે છે અને જો પ્રાણ પ્રાપ્ત ન થાય, તો જીવ ગુંગળાઈને મૃત્યુ પામે છે.
આ રીતે દેહ, ઈન્દ્રિય અને પ્રાણ, મનુષ્ય જીવન કે જીવમાત્ર માટે કાર્ય કરી રહ્યા છે. આ ત્રણેયને સમજવા માટે, તેના ગુણધર્મોને પારખવા માટે, તેનાથી થતી ક્રિયાઓનું નિવારણ કરવા માટે અથવા દેહ, પ્રાણ અને ઈન્દ્રિયોને બાધક, રોગાદિ તત્ત્વની વ્યાખ્યા માટે હજારો શાસ્ત્રો રચાયા છે, ભિન્ન-ભિન્ન પ્રકારની વિદ્યાઓ ઉદ્ભવી છે. દેહ ફક્ત જીવન ધારણ કરે છે એટલું જ નહિ પણ દેહ એક સ્વયં કલામંદિર છે, બધી કળાનો ઉદ્દભવ દેહથી અથવા શરીરથી થયેલો છે. દેહની આ કળામાં મન, મસ્તિષ્ક અને ઈન્દ્રિયો રંગ પૂરે છે. સમગ્ર સંગીતકલા, શિલ્પકળા, નૃત્યવિદ્યા એ બધા દેહથી ઉદ્ભવેલા આયામ છે. આ સિવાયની કેટલીક ગુપ્ત વિદ્યાઓ પણ દેહમાં સમાવિષ્ટ છે. દેહ એક એવું વિવિધ કલા અને શક્તિનું ઉપકરણ છે કે જેના આધારે જીવે પોતાનો વિસ્તાર કર્યો છે.
દેહ ન જાણે તેહને – પરંતુ હકીકત એ છે કે આ દેહ, પ્રાણ અને ઈન્દ્રિયો કોઈ એવા તત્ત્વને જાણતી નથી, જેના આધારે તે જીવિત છે કે સંચાલિત છે, આ એક ગૂઢ વિષય છે. દેહ અને ઈન્દ્રિયો માટે પહેલી સમસ્યા છે. જેના આધારે તે સ્વયં આવી સૂક્ષ્મ ક્રિયાઓ કરી રહ્યા છે, તેનાથી તે અજ્ઞાત છે. દેહને ખબર નથી, એ જ રીતે ઈન્દ્રિયોને પણ ખબર નથી અને દેહનો સંચાલક પ્રાણ પણ તેનાથી અનભિજ્ઞ છે. આમ ત્રણે તત્ત્વો સંચાલન કરનારને જાણ્યા વિના ખૂબ જ વ્યવસ્થિત રીતે પ્રવર્તમાન છે. અહીં શાસ્ત્રકારે ખૂબ જ ખૂબીથી અને પોતાની દિવ્ય કાવ્ય કળાથી આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે એવી કોઈ સત્તા છે કે જે સત્તાને આધારે આ ત્રણેય શક્તિધરો પ્રવર્તમાન છે અને આ સત્તા બીજી કોઈ સત્તા નથી એમ કહીને શાસ્ત્રકારે તે આત્મસત્તા છે, એમ સ્પષ્ટ કહ્યું છે. દેહ, પ્રાણ, ઈન્દ્રિયો ઉપર આત્મસત્તાની ગુપ્તભાવે કે નિમિત્ત ભાવે અલૌકિક પક્કડ છે. જો આ સત્તા દૂર થઈ જાય, તો ત્રણેય તત્ત્વો નિષ્ક્રિય, નિપ્રાણ બની જાય છે, પ્રવૃત્તિહીન બની જાય છે. એટલું જ નહીં પરંતુ વિકૃત બનીને પોતાનું સ્વરૂપ પણ ખોઈ નાંખે છે, એક પ્રકારે દુર્ગધનો ભંડાર બની જાય છે. જે સત્તાથી તે પ્રવર્તમાન છે, તે સત્તાની ગેરહાજરી થતાં તેનું કોઈપણ મૂલ્ય રહેતું નથી. જેનું કરોડોથી પણ મૂલ્યાંકન ન થઈ શકે તેવા દેહ, ઈન્દ્રિય કે પ્રાણ મૂલ્યહીન બની જાય છે. એટલું જ નહી તુરંત જ તેનો નાશ કરવો પડે છે. અન્યથા તેનાથી ભયંકર વિકૃતિ ફેલાઈ શકે છે.
તેહ પ્રવર્તે જાણ – શાસ્ત્રકારે ખૂબ જ ખૂબીથી આ ગાથાના ઉત્તરાર્ધમાં આત્માની સત્તાથી ત્રણે પ્રવર્તમાન છે, એમ કહીને દેહ, પ્રાણ અને ઈન્દ્રિયોની તથા આત્મદ્રવ્યની વિલક્ષણ તુલના કરી છે. આખી ગાથામાં મુખ્ય બે આલંબન છે. એક પક્ષમાં દેહ, ઈન્દ્રિય અને પ્રાણ છે જ્યારે