________________
પાસે જવું પડશે. સિધ્ધ સાધક કોઈને શોધવા નથી જતા. તેઓ પોતાના આત્મસ્વરુપમાં રમણ કરે છે, પરંતુ જે શિષ્ય સાધનાશીલ છે તેમણે જ બુધ્ધિપૂર્વક ગુરુનો યોગ મેળવવાનો છે. ગુરુ સ્વયં કૃપાળુ છે અને તેનો યોગ મળતાં જ તેમના ગુણો શિષ્યમાં પ્રવાહિત થશે. અહીં ખાસ સિધ્ધાંત સમજવાનો એ છે કે યોગ બે વસ્તુનો હોય છે, પરંતુ બન્ને પલ્લા બરાબર હોતા નથી. એક પલ્લામાં પ્રબળતા હોય છે, જયારે અને પલ્લુ નિર્બળ હોય છે, ત્યારે યોગ થાય છે. ત્યારપછી પ્રબળ ભાવનાઓ નિર્બળ પાત્રમાં પ્રવાહિત થાય છે અને તે ઉત્કૃષ્ટ પાત્રના ગુણો સહેજે પ્રાપ્ત થાય છે. આ એક પ્રકારનો સહજ ભાવ છે, સહજભાવે આવો ઉત્પન્ન થયેલો સંજોગ જીવને ધન્ય બનાવી દે છે, જેથી અહીં શાસ્ત્રકાર કહે છે કે ફકત સદ્ગુરુનો યોગ શોધવાની જરૂર છે. આ યોગ પ્રાપ્ત થતાં બાકીનું કામ ગુરુદેવના પ્રભાવથી સહેજે સંપન્ન થાય છે. સ્વયં ગુરુદેવ શિષ્યના આત્મકલ્યાણના જવાબદાર બની જાય છે, માટે અહીં તત્પરતાથી કહેવામાં આવ્યું છે કે જીવ ભાવપૂર્વક ફકત ગુરુદેવનો યોગ મેળવે અને શોધ કરતો કરતો જયાં આ ચરણ છે ત્યાં પહોંચી જાય. આ યોગ પ્રાપ્ત થતાં જ તેનું કામ બાર આના પરિપૂર્ણ થઈ જાય છે. ફકત શરત એ છે કે આ યોગ પ્રાપ્ત કરવામાં જીવનું એક જ લક્ષ હોવું જોઈએ. અને તે લક્ષ છે આત્માર્થની કામના. - સદ્ગુરુના યોગરૂપી કેન્દ્રમાં પહોંચ્યા પછી ત્યાં બીજી કોઈ સ્વાર્થપૂર્ણ કામના રાખવાની નથી, આત્મકલ્યાણ સિવાય બીજા કોઈ લૌકિકભાવ રાખવાના નથી. ડૉકટર પાસે ગયા પછી પોતાના મૂળ રોગની વાત કરવાની છે અને રોગ કેમ મટે તેનો પ્રયાસ કરવાનો છે. અહીં સદ્ગુરુનો યોગ મળ્યા પછી આ ભવાન્તરનો કે જન્મ-મૃત્યુનો રોગ કેમ મટે અને વાસના મુકત બની સિધ્ધ આત્મતત્ત્વની કેમ પ્રાપ્તિ થાય એ જ એક માત્ર લક્ષ રાખવાનું છે, તેથી ત્રીજા પદમાં સ્વયં કહે છે કે “કામ એક આત્માર્થનું બીજો નહિ મન રોગ” અહીં કામનો અર્થ કામના છે, તૃષ્ણા છે અને સારા અર્થમાં તે ઉત્કૃષ્ટ ભાવના પણ છે. સાંસારિક તત્ત્વોનું લક્ષ હોય તો વૃત્તિ કામના બની જાય છે અને જો પરમાત્માનું લક્ષ હોય તો તે જ વૃત્તિ ભાવના બની જાય છે. ઈચ્છાશકિતના આ બે પાસા છે. કામના અને ભાવના. એ જ રીતે વૃત્તિના પણ બે પાસા સ્પષ્ટ દેખાય છે. એક મોહ અને એક ભકિત. સાંસારિક વૃત્તિ તે મોહ છે અને એ જ વૃત્તિ પ્રભુપરાયણ બને તો ભકિત થઈ જાય છે.
અહીં “કામ એક આત્માર્થનું કામ શબ્દ પોતાને જ પૂછે છે કે આવા સદ્દગુરુ યોગમાં આવવાનું હે જીવ ! તારે શું પ્રયોજન છે ! પોતે પોતાના મનને જ પૂછે છે. અહીં પહોંચવાનું શું કામ છે? જવાબ મળે છે કે આત્માર્થને પ્રાપ્ત કરવો એ જ એક માત્ર પ્રયોજન છે, એક માત્ર હેતુ છે અને એ જ લક્ષે સદ્ગશ્યોગ મળ્યો છે, તેની પ્રાપ્તિ થયેલી છે. આમ પોતાનું પ્રયોજન સ્પષ્ટ થતાં આ કામરુપી કામના નિર્મળ ભાવના બની ભકિતનું રૂપ ધારણ કરે છે. અહીં શાસ્ત્રકાર પરોક્ષભાવે કહેવા માંગે છે, હે જીવ! તે અત્યાર સુધી ઘણા કામો કર્યા, પરંતુ આ બધા કામો રેતી પીસીને તેલ કાઢવા જેવા નિષ્ફળ હતા અને એકપણ કામથી સાચું પ્રયોજન સિધ્ધ થયું નથી. માટે આ બધા કામો પડતા મૂકી આગળ વધી જા. આ એકમાત્ર સારું કામ છે, અને તે જ કામ કલ્યાણરુપ છે. આત્માર્થરૂપી સાચો દાગીનો મળે, જેનાથી સાચો અલંકાર થાય અને જીવની સ્વયં શોભા વધે તેવું એકમાત્ર આ કામ આત્માર્થ મેળવવાનું કામ છે.