________________
વ્યવહાર કરી અવકતવ્ય અને અવાચ્ય પર્યાયો સુધી આ નિશ્ચયનય એવંભૂતનય તરીકે પ્રસિધ્ધ થયેલો છે.
શું નિશ્ચયનય દ્રવ્યાર્થિકનય છે કે પર્યાયાર્થિકનય છે ? આ બન્ને શબ્દોનો વ્યવહાર નિશ્ચયનય માટે થતો આવ્યો છે. હકીકતમાં નિશ્ચયનય દ્રવ્યાર્થિક પણ છે અને પર્યાયાર્થિક પણ છે. જયારે તે અખંડ દ્રવ્યનો નિશ્ચય કરે છે, મૂળ દ્રવ્યનો સ્પર્શ કરે છે, દ્રવ્યનું શાશ્વત રૂપ નિહાળે છે ત્યારે તે દ્રવ્યાર્થિક બને છે, જેમ કે આત્મા તે પરમ શુધ્ધ આત્મા છે. તેને કર્મોનો વળગાડ નથી. તેમ તેમાં કંઈ નાશ થાય એવો અંશ નથી. એ અખંડ, અવિનાશી, સિધ્ધ, શાશ્વત સિધ્ધ જેવો શુધ્ધ આત્મા છે. આમ આત્મદ્રવ્ય અથવા જીવદ્રવ્ય અથવા ચેતનદ્રવ્યનું સાંગોપાંગ રૂપ નિહાળી તેનું અખંડ સ્વરૂપ દ્રષ્ટિમાં લઈ આત્મા વિશે જયારે આખ્યાન કરે છે, જયાં સુધી બોલી શકે ત્યાં સુધી બોલે છે. બોલી ન શકે તેવા ભાવોને મૌન ભાવે નિહાળે છે, ત્યારે આ નિશ્ચયનય ખરા અર્થમાં દ્રવ્યાર્થિકનય હોય છે. પરંતુ એ જ રીતે જયારે કોઈપણ દ્રવ્યની શુધ્ધ પર્યાયોને જ્ઞાન દ્વારા ગ્રહણ કરે, ત્યારે ખંડ ખંડ નીકળતી શુધ્ધ નિરંતર સ્વરૂપની ઝાંખી કરાવતી પર્યાયોનો ઉદ્ભવ થતો હોય અને તે પર્યાયોમાં શાંતિ સમાધિની જે ગુણવત્તા સમાયેલી છે અને આ બધી પર્યાયો પણ ઉદયભાવી પર્યાયોથી નિર્લિપ્ત છે. પાણીમાં પડેલો હીરો પ્રકાશમાન હોવા છતાં અને પાણીમાં તેનું પ્રતિબિંબ પડવા છતાં તે પાણીથી નિરાળો છે, અપ્રભાવ્ય છે, તેમ ઉદયભાવી પરિણામોની વચ્ચે ક્ષાયિક ભાવોથી ઉત્પન્ન થયેલી આ વિશુધ્ધ પર્યાયો નિર્મળ છે. ઉદયભાવી પર્યાયો કર્મજન્ય છે અને આ ક્ષાયિક પર્યાયો તે આત્મજન્ય છે, અથવા વિશુધ્ધ ગુણોનું ઝરણું છે, તેવું નિહાળી સૂક્ષ્મભાવે પર્યાયોનું અવલોકન કરે ત્યારે નિશ્ચયનય પર્યાયાર્થિક નિશ્ચયનય છે. આ ઉદાહરણરૂપે આપણે વિવેચન કર્યું. પરંતુ દ્રવ્યોના દ્રવ્ય અને પર્યાયોના ત્રિખંડીભાવોને વિશુધ્ધરૂપે પણ નિહાળે, વિશુધ્ધ ભેદ દૃષ્ટિથી પણ જુએ અને પુનઃ ત્રણેય ત્રિખંડીભાવોને ખંડિત ન કરતા અખંડભાવે નિહાળે તે નિશ્ચયનયની અપૂર્વ ઉપલબ્ધિ છે. આવો નિશ્ચયનય જીવાત્માને તળિયો સુધી લઈ જાય છે. આત્મપ્રદેશના આનંદમય કોષમાં રમણતા કરાવે છે.
પાઠકે ખ્યાલમાં રાખવાનું છે કે નિશ્ચયનય દ્રવ્યાર્થિકનય છે તેમ આગળના ચાર સ્થૂળ નયોને પણ નયવાદી ગંથોમાં દ્રવ્યાર્થિક કહેવામાં આવ્યા છે. ત્યાં દ્રવ્યાર્થિક નયનો અર્થ એટલો જ છે કે સ્થૂળનયો દ્રવ્યના બહારના ભાવોને નિહાળે છે. અસ્તુઃ
આચારહીન નિશ્ચયનય : અહીં આપણે નિશ્ચયનયની વાત કરતા હતા. આ નિશ્ચયનય અંતરંગમાં પહોંચી આત્મશુધ્ધિનો માર્ગ પ્રશસ્ત કરે તો તે ગુણકારી, લાભકારી અને સાર્થક છે. પરંતુ નિશ્ચયવાદનું અવલંબન લઈ માત્ર નિશ્ચયવાદની કથા કહે અને નિશ્ચયથી આત્મા શુધ્ધ છે માટે કશું કરવાની જરૂર નથી, એવા પાખંડ ઊભા કરે તેને માટે આ ૨૯મી ગાથામાં શાસ્ત્રકાર કહે છે કે “અથવા નિશ્ચયનય ગ્રહે માત્ર શબ્દની માંય”. માત્ર એટલા માટે કહેવામાં આવ્યું છે કે જેનું નિશ્ચયનયને અનુકુળ સાચું વર્તન છે તે પણ સારા શબ્દોનો ઉપયોગ કરે છે, શબ્દોનું અવલંબન લે છે પરંતુ જેમાં કંઈ તત્ત્વ નથી, તે ફકત શબ્દનું અવલંબન લે તો પદાર્થ વિનાના ખાલી ખોખા વેંચવા જેવું છે. ડબ્બો હાથમાં લઈને કહે કે આમાં ઉચ્ચકોટીની ઘડિયાળ, વીંટી કે
૩૦૨