________________
ગાથા
૧૧
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં પરોક્ષ જિન ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર
-
સામાન્યપણે પ્રત્યક્ષને જાજુ મહત્વ આપવામાં આવે છે પરંતુ ખરેખર શાસ્ત્રોમાં પ્રત્યક્ષને પરોક્ષ કહ્યું છે. પ્રત્યક્ષજ્ઞાન સ્પષ્ટ હોવા છતાં ઘણું અધુરું અને એકદેશીય હોય છે. સામાન્ય માણસો જે પ્રત્યક્ષ જાણે છે, તેટલું તથ્ય માનીને વ્યવહાર ચલાવે છે, પરંતુ આ પ્રત્યક્ષ અશાશ્વત અને પર્યાય સંબધિત જ્ઞાન હોય છે. જ્યારે શાશ્વત દ્રવ્યો માટે પરોક્ષ જ્ઞાન આધાર છે. જેને પરોક્ષ કહીયે છીએ તે શાસ્ત્રીય દૃષ્ટિએ સાચું પ્રત્યક્ષ છે. અસ્તુ.
આ વિવેચન દાર્શનિક છે. હવે આપણે મૂળ વિષય પર આવીએ. પ્રત્યક્ષ દષ્ટિ અને પરોક્ષ દૃષ્ટિ. કેટલાક વૈષ્ણવ સંપ્રદાયોમાં પ્રત્યક્ષ હરિ કહીને તેને વધારે મહત્ત્વ આપ્યું છે અને વિશ્વવ્યાપી પરોક્ષ હરિને પ્રત્યક્ષ હરિ જેટલું મહત્ત્વ ન આપતા કેવળ શ્રધ્ધાનું ભાજન માન્યા છે. જૈનશાસ્ત્રોમાં કોઈ આવા ભેદ કરવામાં આવ્યા નથી પરંતુ પ્રત્યક્ષ આદિ પ્રમાણોનું વિવેચન છે. આ ગાથામાં પ્રત્યક્ષ અને પરોક્ષના વિષય તરીકે સદ્ગુરુ અને જીનેશ્વર એમ બે કલ્યાણના આધારભૂત સ્તંભનો સ્પર્શ કરી તેનો આશ્રય લેવારૂપ ભકિતનું પ્રદર્શન કર્યુ છે. જે આપણે મૂળ ગાથાના વિવેચનથી જાણી શકશું. આ પ્રકારના સદ્ગુરુ કે જિનેશ્વરને આધાર માની વસ્તુતઃ સાધકના મનને કેન્દ્રિત કરવાની એક ઉચ્ચ કોટિની પ્રેરણા છે. જેમ ગાયને ખીલે બાંધવાથી તે સંયમમાં રહે છે, તેમ શિષ્યને ગુરુનો આધાર મળવાથી તે જીવનને નિયમિત બનાવી શકે છે. મનુષ્યનું મન એક એવું અસંયમને આશ્રય કરનારું તત્ત્વ છે, જો તેને કેન્દ્રિત કરવામાં ન આવે તો આ મનોયોગ ઘણા પાપાશ્રવનું નિમિત્ત બની શકે છે. જૈનશાસ્ત્રોમાં મનોગુપ્તિને અષ્ટ પ્રવચનમાતામાં સ્પષ્ટ સ્થાન આપવામાં આવ્યુ છે પરંતુ મનોગુપ્તિને સ્વતઃ પ્રાપ્ત થાય તેમ નથી. તેમાં સદ્ગુરુની પ્રેરણા, તેમનું નિયંત્રણ અને સદ્ગુરુ પ્રત્યેની શ્રધ્ધા એ મુખ્ય આધાર બને છે, અને આગળ ચાલીને જિનેશ્વરનું જે કાંઈ નિરાકાર-સાકાર રૂપ છે તે સમગ્ર સાધકોને માટે એક મહાઆલંબન છે. તે આલંબનને આધારે સાધકનું સમગ્ર જીવન કેન્દ્રિત થાય છે.
ફકત જૈન ધર્મ જ નહીં પરંતુ સામાન્ય બધા સંપ્રદાયોમાં ગુરુ અને દેવનું મહત્ત્વ વિશેષ રૂપે સ્વીકાર્યું છે. દેવ ગુરુનું મૂલ્યાંકન થયા પછી તેનાથી પ્રાપ્ત થનારો ધર્મ સાધકને માટે હીરા–મોતી જેવો બની જાય છે. તેથી અહીં શ્રીમદ્ભુ કહે છે કે
‘પ્રત્યક્ષ સદ્ગુરુસમ નહી પરોક્ષ વિન ઉપકાર । એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મ વિચાર’
આપણે જે ભૂમિકામાં વાત કરી તે પ્રમાણે અહીં સદ્ગુરુ અને જિનેશ્વર એ બન્ને પરમ ઉપકારી છે, તેવું સાધકને લક્ષ નિશ્ચિત થવું જોઈએ. એક ઉપકાર તે પ્રત્યક્ષ ઉપકાર છે અને બીજો ઉપકાર તે પરોક્ષ છે. જ્ઞાનના જેમ બે ભેદ કરવામાં આવ્યા. પ્રત્યક્ષ અને પરોક્ષ, તે જ રીતે અહીં ઉપકારના પણ બે ભેદ કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષ ઉપકાર અને પરોક્ષ ઉપકાર. વસ્તુતઃ ઉપકાર તો એક જ છે. પણ આ ઉપકાર જે દૃષ્ટિથી પ્રાપ્ત થાય છે તે બંને દૃષ્ટિને આધારે ઉપકારને વિભકત કરવામાં આવ્યો છે. જેમ વરસાદનું પાણી અને ગોળાનું પાણી. પાણી તો એક જ છે.
૧૬૫૧