________________
એ રીતે ‘વિચરે ઉદય પ્રયોગ' આધ્યાત્મિક દૃષ્ટિએ એટલું ઉપયોગી છે. વ્યાવહારિક રીતે પણ પોતાના સુખદુ:ખનો આધાર પોતાના કર્મ છે અને તેવી ધારણાથી જીવ જીવે તો ઘણા સંઘર્ષથી અને અન્ય વ્યકિત ઉપર દોષારોપણ કરવાથી કે કોઈ ભૂતપ્રેતના પ્રભાવથી પોતે દુ:ખી થાય છે કે કોઈએ કાંઈ કરી નાંખ્યું છે, વગેરે બધા ભાવોથી મુકત થઈ કર્મના પ્રભાવને ઓળખી શાંતિ રાખે, તો પોતે બધી માનસિક ખેંચતાણથી મુકત રહી સરળ જીવન જીવી શકે છે અને આવા વ્યકિત કર્મસિધ્ધાંતને સમજયા પછી સમજીને વચનો બોલે છે અથવા તેની વાતમાં ધર્મ અને જ્ઞાનનો પ્રભાવ દેખાય છે. પરમશ્રુત જેમ આત્મલક્ષી છે તેમ સમજણયુકતનું શ્રુત વ્યવહારિક દક્ષતા પૂરી પણ પાડે છે અને આ રીતે વચન અને જ્ઞાન બન્ને શ્રેષ્ટ કોટિના થવાથી વ્યવહારશુધ્ધિ પણ ઘણી ઊંચી બની જાય છે આ વ્યવહાર શુધ્ધિની ભૂમિકા ઉપર આધ્યાત્મિક જ્ઞાનના બીજ અંકુરિત થાય છે. ધન્ય છે આ ગાથાના દ્વિઅર્થી શબ્દોને ! જે વ્યવહારનું જ્ઞાન પણ આપે છે અને અધ્યાત્મનું જ્ઞાન પણ આપે છે. વ્યવહારિક દક્ષતા એ આધ્યાત્મિક ઉત્ક્રાન્તિની પૃષ્ઠભૂમિ છે. અને એ જ રીતે સદ્ગુરુ પણ તે જ હોઈ શકે જે આત્મજ્ઞાન તો પીરસે જ છે, સાથે સાથે સાધકનું જીવન નીતિમય બનાવી દે છે અને ઘણા દુષ્કર્મો અને દુર્વ્યસનથી સાધકને મુકત કરી સાચી દિશામાં લઈ જાય.
૧૦મી કડીનો આ ઉપસંહાર ઘણોજ મહત્ત્વપૂર્ણ છે. ખરેખર આત્મજ્ઞાની પુરુષોના વચનો એકાંત દષ્ટિવાળા હોતા નથી પરંતુ એક દૃષ્ટિથી જીવને કલ્યાણરૂપ બને છે અને આવા ઉચ્ચ લક્ષણવાળા સદ્ગુરુ પૂજય છે. જીવનના મુગટમણિ છે. સાચું કહો તો આવા સદ્ગુરુ એ જ્ઞાનગીતા ગણી શકાય. ભૌતિક જન્મ આપનાર માતા–પિતા પણ ગુરુ સ્થાને છે, જ્યારે આધ્યાત્મિક તત્ત્વોનો જન્મ આપનાર સદ્ગુરુ તે જન્મ-જન્માંતરના હિતરક્ષક બની ઉચ્ચ કોટિનું પિતૃત્ત્વ પદ ધરાવે છે. સદ્ગુરુને મહાપિતા કહી શકાય.
૧૦મી ગાથાની આટલી વ્યાખ્યા કર્યા પછી હવે આપણે ૧૧મી ગાથાની પૃષ્ટભૂમિને સ્પર્શ કરશું.
સંસારમાં ઉપકારી તત્ત્વો જે શાસ્ત્રમાં અંકિત કર્યા છે અને મહાપુરુષોએ જેને ઉપકારી માન્યા છે તેવા ઉપકારીને ચરણે જવું, તો જ જીવનનું કલ્યાણ થાય, તે એક પારંપરિક સિધ્ધાંત છે. પરંતુ ખરેખર ઉપકારી કોણ છે ? તે પ્રથમ સમજી લેવુ જોઈએ અને તેનો શું ઉપકાર છે ? અથવા આદિ કાળથી આ ઉપકારભાવ કેવી રીતે અસ્તિત્ત્વ ધરાવે છે ? તે બાબત સાધકને વિશેષરૂપે સ્પર્શ કરે છે. વ્યવહારિક ઉપકાર કે ઉપકારી તે ક્ષણિક અને ભૌતિક હોય છે. બાહ્ય દૃષ્ટિએ આવા ઉપકારનું મૂલ્યાંકન થતું હોય છે અને આ ભૌતિક ઉપકારમાં ત્યાગ કરતા સ્વાર્થ તત્ત્વ બહુજ મહત્ત્વ ધરાવતું હોય છે. પરંતુ અહીં એ કહેવાનું છે કે ઉપકાર કે ઉપકારી એ સિધ્ધાંત ખોટો નથી, પરંતુ તેની દિશા બદલવાની છે. અને સાચા અર્થમાં કોનો ઉપકાર છે જે ઉપકાર સ્થાયી રીતે ચરમ સ્થિતિ સુધી કલ્યાણકારી બને છે. અહીં આવા ઉપકારી તત્ત્વને ઓળખવા માટે તર્કશાસ્ત્રના મુખ્ય શબ્દોનો પ્રયોગ કર્યો છે.
(૧) પ્રત્યક્ષ (૨) પરોક્ષ. આ બન્ને દષ્ટિ વિષે યથસમય વિચાર કરશું. જગતમાં બે દષ્ટિ સ્પષ્ટ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ, દશ્ય અને અદશ્ય, ગોચર અને અગોચર. આ બન્ને દષ્ટિ સાધકને માટે યથાર્થ સ્થાને ઉપકારી છે. જેનું આ ગાથામાં ઊંડાઈથી વિવેચન કરશું. હવે આપણે મૂળ ગાથાનો ઉલ્લેખ કરીયે.
૧૬૪