________________
અહીં આપણે આધ્યાત્મિક ઉત્ક્રાન્તિની એક શ્રેણી બતાવશું. આ શ્રેણીમાં અસમદષ્ટિ કયાંથી શરૂ થાય અને સમદષ્ટિ કયારે શેષ થઈ જાય છે અથવા સમદષ્ટિના પ્રભાવે અસમદષ્ટિ વિલુપ્ત થઈ નિર્મળ સમદષ્ટિ પ્રગટ થાય છે માટે આ ઉત્ક્રાંતિની શ્રેણી ઉપર ધ્યાન આપીએ. શ્રેણીનું વિવિધ સોપાન છે
(૧) વિચાર કરવો કે તમે જગતમાં એકલા જ છો બીજા કોઈ દ્રવ્યો છે જ નહીં ત્યારે તમે ઈશ્વરમય બની કોઈ પ્રકારનો વિષયભાવ સેવતા નથી.
(૨) બીજા પગલામાં તમને ચારેકોર સૂક્ષ્મ પરમાણુઓની સૃષ્ટિ દેખાય છે. બધા પરમાણુઓ અનંત શકિતના પિંડ છે અને તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ગુણો પ્રગટ થયેલાં છે (૩) ત્રીજા પગલામાં તમને દેખાય છે કે પરમાણુઓ સંગઠિત થયા પછી એક પિંડની રચના થાય છે અને આ પિંડમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની સાથે પરસ્પરના સંઘર્ષથી શબ્દ પણ પ્રગટ થાય છે. આ પિંડો સાથે તમારે કાંઈ લેવા દેવા નથી.
(૪) બધા પિંડોને જાણવા જોવા માટે જેમ તેમાં પાંચ ગુણો છે તેમ તમને પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ મળેલી છે. પાંચ ઈન્દ્રિયો દ્વારા બધા પદાર્થના ગુણધર્મો સમજો તો અહીં સુધી કોઈ દોષ ન હતો.
(૫) પાંચમાં પગલામાં પ્રવેશ કરતાં એક દોષનો પ્રવેશ થાય છે અને તમે આ બધા ગુણધર્મોને બે ભાગમાં વિભકત કરો છો. સારા અને નરસાં, ભોગવવા યોગ્ય અને છોડવા યોગ્ય. ચોથા પગલાં સુધી તમારી સમદૃષ્ટિ હતી, પરંતુ અહીં સારુ–નરસું કહેવાથી એક સામાન્ય વિષમતા શરૂ થાય છે. જે આગળ ચાલીને તમારા સમભાવને ખંડિત કરી શકે છે. જો કે અહીં તમે સારુ નરસું કહીને અટકી ગયા હોત તો એટલુ નુકશાન ન હતું.
(૬) છઠ્ઠા પગલામાં પ્રવેશ કરતાં રાગ ભાવ અને દ્વેષ ભાવની માત્રા વધી અને સારુ તે બધું મારે જ જોઈએ અને નરસુ બધું મારાથી દૂર થવું જોઈએ. આ બંને ભાવને સેવન કરતા તમે એક બહુ જ મોટી વિષમતામાં આસકત થઈને એક રીતે ફસાઈ જાઓ છો.
(૭) સાતમાં પગલામાં આ વિષમતા વધારે ભયંકારી રૂપ ધારણ કરે છે અને સારી વસ્તુ મેળવવા તમે હિંસા, અસત્ય આદિ પાંચ અવ્રતનું સેવન કરો છો. તમારામાં અનેક દુર્ગુણો પ્રવેશ પામે છે, તમે ભોગાદિમાં પણ આશકત થાઓ છે. આ રીતે આ સાતમું પગલું તમને વિષમતાના કૂવામાં ડુબાડે છે.
અહીં વિષય ભાવોની સામે જ્ઞાની મહાત્માઓએ સમભાવનો ઉપદેશ આપ્યો છે. આ સમભાવને ધારણ કરનાર તે સમદર્શિતા બની શકે છે.
ત્રીજા પગલા સુધી કોઈ પણ પ્રકારનો વિષમભાવ હતો નહીં ફકત જ્ઞાન ભાવ હતો. અહીં ચોથા પગલામાં જો જીવ સારા-નરસાનું વિભાજન કર્યા વિના આ બધા પુદ્ગલના ધર્મો છે તેવું સમજીને રાગ અને દ્વેષથી દૂર રહી પુદ્ગલ પ્રત્યે સમભાવ કેળવે છે અને આવો સમભાવ ધારણ કરનાર આત્મા સમદર્શી બની જાય છે. સમદર્શનની શરૂઆત થતા બાકીના બધા પગલાંમાં સુધારો થાય છે. આ સાધક સમદર્શી બની પ્રબળ પુણ્યના યોગે ગુરુપદ ધારણ કરી બીજા અન્ય આત્માઓને પણ સમદર્શનની પ્રેરણા આપે છે.
૧૪૮