________________
પોતાની ધારણા છે તે જ આત્મજ્ઞાન છે તેવું ન સમજે પરંતુ શાશ્ચત પરંપરામાં કરોડો-કરોડ સિધ્ધ પુરુષોએ જે રીતે ચૈતન્ય દ્રવ્યની વ્યાખ્યા કરી છે, તેનો સાક્ષાત્કાર કરી તે જ રીતે અનુભવમાં લઈ આત્મજ્ઞાનનો પ્રકાશ કરવો તે આત્મજ્ઞાન છે. આમાં કોઈ ઘરની બુધ્ધિ ચલાવાની વાત નથી પરંતુ શાશ્ચત આત્મજ્ઞાનની જે પરંપરા છે તે પરંપરા પ્રમાણે સત્ય સમ્યજ્ઞાન, શુધ્ધજ્ઞાન તે આત્મજ્ઞાન છે. અહીં આત્મ શબ્દનો અર્થ આત્મદ્રવ્ય લેવાનો છે. પોતાનું જ્ઞાન એવો અર્થ લેવાનો નથી. આ ભેદ બહુ સૂક્ષ્મ છે અહીં પાઠકે વિચારીને આત્મજ્ઞાનનો રહસ્યમય યોગ્ય અર્થ ગ્રહણ કરવાનો છે.
સમદર્શિતા : આત્મજ્ઞાન પછી કવિરાજ સદ્ગુરુના બીજા લક્ષણમાં સમદર્શિતા ભાવની વ્યાખ્યા કરે છે. અર્થાત્ સમદર્શિતા તે સદગુરુનું બીજું લક્ષણ છે. સમદર્શિતા શબ્દ ઘણો જ ગૂંચવણ ભરેલો છે તેથી સમદર્શિતા વિશે ઊંડું ચિંતન કરી સ્પષ્ટ પ્રકાશ નાંખવાની આવશ્યકતા છે. સમદર્શિતાનો અર્થ શું ? સામાન્ય વ્યવહારમાં બધા મનુષ્ય ઉપર સમાન ભાવ રાખવો, સમાન વ્યવહાર કરવો તે સમદર્શિતા ગણાય છે પરંતુ આ એકદમ સાધારણ વ્યાખ્યા છે. આગળ વધીને શું બધા પદાર્થોને સમાન ગણવા? બધા પદાર્થોના ગુણ ધર્મો ભિન્ન ભિન્ન હોવા છતાં શું બધાને એક જ દષ્ટિએ જોવા ? શું લોખંડ કે સુવર્ણ બન્નેને એક જ ગણવું? શું ધર્મ અને અધર્મ બન્નેને એક જ સૂત્રમાં સ્થાપિત કરવા ? સમદર્શિતાનો અર્થ જો સાચી રીતે ન સમજાય તો તેમાં ઘણાં ઉપર્યુકત અનર્થ થવાના પણ સંભવ છે.
અહીં સમદર્શી અને સમદર્શિતા એવા બે શબ્દો પ્રગટ થાય છે. દર્શિતા શબ્દ કર્તા વાચક પણ છે અને ભાવવાચક પણ છે. “તા’ કે ‘વ’ પ્રત્યય લગાડવાથી પદાર્થનો સામાન્યધર્મ ગ્રહણ કરવામાં આવે છે અને તે ભાવવાચક નામ બની જાય છે જ્યારે “તા” પ્રત્યય કર્તા વાચક પણ છે, જેમ સવિતા અર્થાત સર્ય, જ્ઞાતા અર્થાત જાણનાર. સરિતા અર્થાત વહેનારી, આમ ‘તા” પ્રત્યય કર્તા વાચક પણ છે. અહીં દર્શી શબ્દ દષ્ટાને માટે છે અને દર્શનો જે કાંઈ ભાવ છે તે દર્શિતા છે. અહીં દર્શન, દર્શી અને દર્શિતા અને વધારે આગળ વધો તો દષ્ટિ શબ્દનો પણ સમાવેશ થાય છે અસ્તુ. અહીં આપણે દર્શિતા શબ્દનો અર્થ જોનાર દેખનાર અને સમગ્રદર્શન ને ધારણ કરનારા એવા દર્શિતાને સામે રાખીને સમદર્શિતાની વ્યાખ્યા કરશું.
સમદર્શિતા શબ્દથી પ્રગટ થાય છે કે દર્શિતા બે પ્રકારના અથવા બીજા પ્રકારના પણ હોય શકે છે. અસમદર્શિતા એટલે સમભાવે ન જોનાર, કુદર્શિતા એટલે ખોટી રીતે જોનારા, અદર્શિતા એટલે સરખી રીતે નહીં જોનારા, આવા બીજા અમંગળ ભાવો દર્શિતા સાથે જોડાયેલા છે. અહીં કવિરાજ આ બધા અમંગળ ભાવોનો પરિહાર કરીને સમદર્શિતા રૂપ મંગલ ભાવનો સ્પર્શ કરે છે. તે સદ્ગુરુનું પ્રધાન લક્ષણ છે તેમ જણાવી સમદર્શિતા તે બહુ જ ઊંચો ગુણ છે તેમ કહેવા માંગે છે. આ બધા લક્ષણો સરુના લક્ષણ તો છે જ પરંતુ સ્વતંત્ર રીતે પણ પ્રત્યેક ગુણ મહત્ત્વપૂર્ણ છે. હવે આપણે સમની વ્યાખ્યા કરીએ કે સમદર્શન શું છે ? સમાન દર્શન શું છે ? સમાન દર્શન કોને કહેવાય ? સમભાવ એ આધ્યાત્મશાસ્ત્રની અને સાધનાની ઊંચી કસોટી છે. જો જૈનધર્મમાં તેને બીજું નામ આપવું હોય તો સમધર્મ કે, સમદર્શન કહી શકાય. અહીં સમદર્શન કે સમદષ્ટિનું રહસ્ય શું છે તે જ્ઞાતાની નજરમાં સ્થાપિત થવું જોઈએ.