________________
અને આ પદાર્થો મને સુખ આપશે, તેની કલ્પનાથી તેના સ્વરૂપને સમજ્યા વિના જીવ દુઃખ પામે છે, એટલે જ કવિએ અહીં ઠીક જ કહ્યું છે “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત.” પુદ્ગલના સ્વરૂપને સમજવું એટલું જરૂરી છે, જેટલું ચેતનનું તત્ત્વ સમજવું જરૂરી છે. તે જ રીતે બાકીના બધા દ્રવ્યોનું સ્વરૂપ પણ જાણવું આવશ્યક છે.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે “જે સ્વરૂપ” એ પદમાં ઘણો વિશાળ અર્થ સમાયેલો છે. આત્મ સ્વરૂપને સમજતા વાર લાગશે, પરંતુ સંયોગી પદાર્થના સ્વરૂપને પ્રત્યક્ષ સમજી શકાય તેમ છે. “જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત” એના કારણે આ જીવ અનંત દુઃખનો અનુભવ કરે છે. સંસારના સ્વરૂપને સમજી લેતા સહજ મુકિત થાય છે અને સ્વરૂપને સમજ્યા વિના વ્યર્થ બેમતલબ દુઃખની પરંપરાઓ જન્મે છે જેનો અંત નથી. એટલે અહીં “અનંત' શબ્દ વાપર્યો છે.
પૂર્વ પક્ષ :- આ પદમાં સમજ્યા વિના અર્થાત્ અજ્ઞાનને કારણે જીવ દુઃખ પામ્યો તેવું કથન છે પરંતુ ખરેખર તો જ્ઞાનનો ક્ષયોપશમ થયા પછી જ જીવ દુઃખ પામે છે. અજ્ઞાન તો સુખનું કારણ છે. ડૉકટર ઓપરેશન કરે છે ત્યારે પણ મનુષ્યને જ્ઞાનશૂન્ય કરે છે અને જ્ઞાનશૂન્ય થયા પછી દુઃખ પામતો નથી, નિદ્રાધીન થયેલો જીવ પણ દુઃખને ભૂલી જાય છે, તો અહીં અજ્ઞાનને દુઃખનું કારણ કેમ કહ્યું?
અવ્યવહારરાશીના જીવોથી લઈ એકેન્દ્રિય જીવો અજ્ઞાનદશામાં હોવાથી જાજું દુ:ખ પામતા નથી, પરંતુ સમજ આવ્યા પછી જ દુઃખનું વેદન કરે છે. તો અહીં કવિ અજ્ઞાનને દુઃખનું કારણ કહી રહ્યાં છે તો તે કેવી રીતે?
બીજો પ્રશ્ન એ પણ છે કે મોહદશા દુઃખનું કારણ છે, મોહ ન હોત તો જીવ દુઃખ પામતો નથી. અહીંયા સાધારણ શારીરિક દુઃખનું કારણ અશાતાવેદનીય છે. જ્યારે અજ્ઞાન એ તો જ્ઞાનાવરણીયનું ફળ છે. તો “સમજયા વગર” અર્થાત્ અજ્ઞાનથી દુઃખ થાય છે એ કથનનો અર્થ કે ભાવાર્થ વધારે ઊંડો હોવો જોઈએ.
ઉત્તરપક્ષ :- પૂર્વપક્ષની શંકા બરાબર છે. વર્તમાનકાળની અપેક્ષાએ દુઃખના સાક્ષાત્ કારણ બીજા હોય છે, પરંતુ અહીં કવિરાજ વર્તમાન કાળના દુઃખની વાત કરતા નથી. અનંત દુઃખ પામ્યો તેમાં ‘અનંત’ શબ્દ, એ દુઃખનું વિશેષણ નથી પરંતુ “અનંત’ એ કાળનું વિશેષણ છે. અર્થાત્ અનંત કાળથી દુઃખ ભોગવે છે. દુઃખ નાનું મોટું હોય એનું અહીં કથન નથી. પરંતુ અનંત કાળથી જીવ દુઃખમય અવસ્થામાં રહેલો છે, તો તેનું મૂળ કયાં છે? દુઃખનું સાક્ષાત કારણ મોહ કે અશાતાવેદનીય હોય શકે છે. પરંતુ આ દુઃખના કારણો અનંત કાળથી આત્મા સાથે સંબંધ ધરાવે છે. તેના કારણોનો અહીં વિચાર કર્યો છે. જેમ કોઈ અન્ય વ્યકિતને દંડ પ્રહાર કરે અને સાક્ષાત્ તે પ્રહાર દુઃખનું કારણ બને, પરંતુ વ્યકિત દંડ પ્રહાર શા માટે કરે છે, તેનું કારણ તપાસવાથી મૂળ કારણ નજરમાં આવે છે. એ જ રીતે આ જીવ અનંત કાળથી જન્મ મૃત્યુના દુઃખ ભોગવે છે, એના જે કંઈ સાક્ષાત્ કારણો છે તેની પાછળ તત્ત્વની સમજનો અભાવ છે અને આ સમજના અભાવે કરી જીવ ઘણા કાળ સુધી ભટકતો રહે છે, “દુ:ખ પામે છે.” એટલે અહીં કહે છે કે દ્રવ્ય સ્વરૂપને