________________
ટૂંકમાં સમગ્ર સાહિત્ય નિર્માણમાં અને મહાભાષ્યના વિવેચનમાં પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે જે જે ભાઇઓ – બહેનો અહીં રહીને ઉપકારી બન્યા છે કે સહયોગી બન્યા છે તેમનું સન્માન કરતા આંતરિક મન હર્ષ પામે છે, જેમાં અહીં સેવા સંસ્થાના અધ્યક્ષ મહોદયા શ્રીમતી પુષ્પાદેવી જૈન બધી રીતે ધ્યાન રાખી શાતા ઉપજાવીને આ કાર્યમાં વેગ આપતાં હતાં. આ રીતે ભારતીબેન પારેખ તેઓ સંત – સતીઓની સેવામાં રહી ભક્તિથી ઘડાયેલા છે. તેઓ પોતાનું કર્તવ્ય બજાવી ઉપકારી બન્યા છે. સંસ્થાના ટ્રસ્ટી શ્રી પ્રાણલાલભાઇ મહેતા અવારનવાર આવી આ કાર્યના લેખા જોખા કરી ઉત્સાહમાં વૃધ્ધિ કરતા હતાં.
અમારા સંત સાધુ મંડળમાં સેવામાં સંનિષ્ઠ, વૈયાવચ્ચના પારંગત અરૂણમુનિજી મહારાજ, સુરેશમુનિજી મહારાજ જે રીતે જાળવણી કરતા હતાં અને ધ્યાન આપતા હતાં તેથી લખાણનું કાર્ય સુગમ બની રહેતું હતું. અહીં બિરાજીત આપણા સાધ્વીજી ગીતધારા દર્શનાબાઇ સ્વામી તથા સ્વાતીબાઇ સ્વામી બંને ઠાણાઓ આ કાર્ય માટે અહોભાવ વ્યક્ત કરી લખાણનું મહત્ત્વ સમજાવતા. આવો સાધુ-સંતનો જે સહયોગ મળ્યો છે તે શબ્દમાં કેમ ઉતારી શકાય ?
જેમના ઉત્કૃષ્ટ ભાવ છલકે છે તથા જરા પણ સંકોચ રાખ્યા વિના ઉદાર હૃદયથી બધી રીતે લાભ લેવા માટે સદા તત્પર રહે છે તે પ્રમોદભાઇ બાખડા નિરંતર આવીને લખાણની ઉઘરાણી કરતા રહેતા. લખાણ સુંદર સારી રીતે તૈયાર થાય તેવી ભાવના સાથે ભાવભર્યું પ્રેશર પણ આપતાં હતાં. લાગે છે કે તેમના આ ભાવપ્રેશરથી આ લખાણ એક રીતે જલ્દી તૈયાર થયું ગણાય અને જે રીતે તૈયાર થયું છે તેમાં તેમની ભક્તિ પ્રેરણા ઝળકતી રહી છે. આવા રૂડા શ્રાવકને આશીર્વાદ સિવાય શું આપી શકાય ? તેઓએ તેમના ભક્ત પિતા ચીમનભાઇ બાખડાની કીર્તિ ઉપર કળશ ચડાવ્યો છે અને હજુ આગામી બીજા ભાગ પ્રગટ થાય તે માટે ઘણાં આતુર છે અને બોલે છે કે ત્રણે ભાગ પ્રગટ નહીં થાય ત્યાં સુધી મને સંતોષ નહીં થાય. હકીકતમાં તેનો અસંતોષ ઘણાં અસંતોષનું કારણ બનશે.
આ ટૂંકી પ્રસ્તાવના લખી ઘણાં અભિવ્યક્ત ઉન્મુખ ભાવનો સંકોચ કરી સંતોષ માન્યો છે અને લાગે છે કે કોઇ એવા નિકટવર્તી ભક્તનો ઉલ્લેખ રહી ગયો હોય તો તેમના માટે ક્ષમાપ્રાર્થી થવા સિવાય અન્ય ઉપાય નથી. જો કે આવા ભક્ત આત્મા ક્યારેય દુઃખ ન માને સ્વાભાવિક છે. સમગ્ર આત્મસિધ્ધિના વિવેચનમાં અમે મહાતત્ત્વોના આધ્યાત્મિક સંત શ્રીમદ્ઘ રાજચંદ્રજી માટે અલગ અલગ શબ્દોના પ્રયોગ કર્યા છે, ક્યારેક કવિશ્રી પણ લખ્યું છે. લગભગ બધાં જ સ્થાનમાં શાસ્ત્રકાર, સિધ્ધિકાર, કૃપાળુ ગુરુદેવ, તત્ત્વવેતા ઇત્યાદિ શબ્દોનો પ્રયોગ કર્યો છે. કાવ્ય દ્દષ્ટિએ તેઓ કવિહૃદય હતાં તેથી કવિશ્રી કહીને સંતોષ માન્યો છે. જ્યારે ગ્રંથના રચયિતા તરીકે ખરેખર તેઓ સાહિત્ય ઘડવૈયા હતાં તેથી તેઓ શાસ્ત્રકાર કે સિધિકાર તરીકે વાસ્તવિક પદ ધરાવતા હતાં. તેઓએ જે જ્ઞાનવૃષ્ટિ કરી છે અને કૃપા વર્ષાવી છે તેથી કૃપાળુ ગુરુદેવ તરીકે ભક્તો તેમને જાણે છે અને હકીકતમાં તેઓ તેવા જ પદથી વિભૂષિત હતાં... અસ્તુ.....
અમો એ ગુણાનુસારી યથાર્થ શબ્દનો પ્રયોગ કરી મહાભાષ્ય લખવામાં તેમને તે રીતે દ્દષ્ટિ સન્મુખ રાખ્યા છે.
આ લેખન દરમ્યાન કોઇ અગમ્યશક્તિ પ્રેરણા આપી રહી છે. ધારા પ્રવાહ ભાવોની અભિવ્યક્તિ કરે છે તેવો અનુભવ થતો હતો અને આ અગમ્ય શક્તિ તે વિશ્વની આંતરચેતના છે. આ આંતર ચેતના પણ કોઇ સિધ્ધલોકથી જોડાયેલી છે તેમ ઉપરથી દિવ્યભાવનો પ્રવાહ જાણે આપણા તરફ વહેતો હોય એ રીતે એક પ્રકાશની રેખા જોઇ શકાતી હતી. ખરેખર આ અગમ્યતત્ત્વ એ જ્ઞાનનું સાચુ ધરાતલ છે એટલે તેનો અનંત અનંત ઉપકાર માની આ ભાવ ઊર્મિને સમાપ્ત કરી વિરામ લઇ રહ્યાં છીએ.
પૂ. જયંતમુનિ, પેટરબાર
તા. ૨૪-૦૮-૦૯
અક્ષરન્યાસ : આભાબેન ભીમાણી