________________
“માનાદિક શત્રુ મહા નિજછંદે ન મરાય, જાતાં સદ્ગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય.” ૧૮
-શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર જગતવ્યવહારનાં શિક્ષણ માટે શિક્ષક કે માર્ગદર્શકની જરૂર રહે છે. સારા વકીલ કે ડોકટર થવા માટે તે પ્રકારના ઉત્તમ નિષ્ણાત પાસે શિક્ષણ લેવું જરૂરી છે; તેમ આ સૂક્ષ્મ માર્ગના બોધ-શિક્ષણ માટે તે માર્ગને અનુરૂપ જ પરમાત્મા અને સદ્ગુરુની નિશ્રા જરૂરી છે. તેમના પ્રત્યેનો આદર અને ભક્તિ ચિત્તને નિર્મળ કરે છે, જિજ્ઞાસાને તૃપ્ત કરે છે અને સાધક આગળ વધે છે.
તત્ત્વની શ્રદ્ધા સહિત ધર્મધ્યાનના ચિંતન, રુચિ, અનુપ્રેક્ષા, આલંબન અને ભાવનાના પ્રકારોના સેવન પછી, દેઢ પુરુષાર્થ વડે મિથ્યાત્વની ગ્રંથિરૂપ સાત પ્રકૃતિઓ શિથિલ થઈ જાય છે. આત્મા સમ્યગ્દર્શનનો અધિકારી બને છે.
(સાત પ્રકૃતિઓ-અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય અને મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીય એ દર્શનમોહની ત્રણ પ્રકૃતિઓ. દર્શન સપ્તક)
વળી જેમ જેમ ધ્યાનમાં સ્થિરતા વધતી જાય છે, તેમ તેમ આત્મસ્વરૂપના અંશો અનુભવાય છે. એ અનુભવમાંથી નિષ્પન્ન થયેલું જ્ઞાન પ્રજ્ઞારૂપે રહી કર્મના ઉદયને જાણી લે છે, અને તેનાથી પોતે જુદો છે તેમ સમજે છે; તેને વિષમ પરિસ્થિતિમાં પણ પરિણામની વ્યાકુળતા થતી નથી. સમતાની અપૂર્વતા અનુભવાય છે. ધ્યાનનની એક પળનું સામર્થ્ય :
ચિત્ત-સ્થિરતાના દીર્ઘકાલીન અભ્યાસથી ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરતાં કોઈ પળે મહાત્માઓને નિર્વિકલ્પદશાનો અંશે આત્માને અનુભવ થાય છે. આ અનુભવ વીજળીના ઝબકારા જેવો છે. ઘન અંધકારભર્યા ઓરડામાં વીજળીના ચમકાર વડે ત્યાં રહેલી વસ્તુ દૃષ્ટિગોચર થાય છે, તેમ એક પળના આવા અપૂર્વ દર્શનના અનુભવે સ્વરૂપના પૂર્ણદર્શનનો આસ્વાદ અનુભવમાં આવે છે. તે પળનું, અનુભવરૂપી દર્શન જ્ઞાનરૂપ થાય છે, જ્ઞાનની પૂર્ણતા અને ચારિત્રની શુદ્ધતા પ્રગટયે
૪૮