________________
૩. જૈનદર્શનમાં ધ્યાન
ધ્યાનમાર્ગની સૂક્ષ્મ પરિચર્યા સમજવા માટે જૈનદર્શનમાં ધ્યાનની શું સૂક્ષ્મતા અને ગૂઢતા બતાવી છે તેનો અભ્યાસ વિશેષપણે ઉપકારી છે. છેલ્લા કેટલાક સૈકાઓમાં પૂર્વચાર્યોએ ધ્યાન વિષે ઘણો પ્રકાશ પાડ્યો છે. જૈનદર્શનની એ એક વિશિષ્ટતા છે કે સંપ્રદાયપરૂપે ઘણા ઉપવિભાગો હોવા છતાં મૂળ તત્ત્વોમાં અને ધ્યાન જેવા અતિગૂઢ વિષયોમાં કયાંય અંતર કે વિરોધાભાસ નથી, પણ તે તે વિષયોમાં પરંપરાની એકસૂત્રતા જળવાઈ છે.
પ્રાચીન-અર્વાચીન પૂર્વાચાર્યો રચિત દરેક ગ્રંથોમાં ધ્યાનના પ્રકારોના વિશ્લેષણ અને નિરૂપણમાં સમાનતા જણાય છે. તેથી પ્રસ્તુત સ્વાધ્યાયમાં કે પૂર્તિમાં ક્યાંક પુનરાવર્તન થવા પામ્યું છે તે ક્ષમ્ય છે, અને આપણી અલ્પ સ્મૃતિ માટે તે સહેતુક છે. વળી ભિન્ન ભિન્ન આચાર્યોએ તે તે ગ્રંથોમાં આગવું રહસ્ય પ્રકટ કરી જે વ્યક્તિગત યોગદાન દીધેલ છે તે પણ સાધકને ઉપયોગી છે.
જૈનદર્શનમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તે માનવ-જન્મનું એક અત્યંત અગત્યનું કાર્ય મનાયું છે. સમ્યગદષ્ટિ આત્મા ધર્મધ્યાનનો યોગ્ય અધિકારી છે. તેમાંય ધર્મધ્યાનની ચરમસીમાએ તો અપ્રમત્ત દશાવાન મુનિને જ અધિકારી ગણવામાં આવ્યા છે. તે પહેલાંની ભૂમિકાએ સાધક, ચિત્તની સ્થિરતા, ચિંતન, ભાવના, સ્વાધ્યાય-ધ્યાન કે કાયોત્સર્ગ-ધ્યાનને યોગ્ય છે તેમ કહેવામાં આવ્યું છે. આ કારણથી ધર્મધ્યાનનો ક્રમિક અભ્યાસ એ વિશિષ્ટ ધ્યાનાસાધનાનું અગત્યનું અંગ ગયું છે. વળી જૈનદર્શનમાં, અત્યંતર તપના વિવિધ ભેદોમાં ધ્યાન અંતર્ગત કરેલ છે.
જૈનદર્શનમાં ધ્યાનના અનેક પ્રકાર છે. તેમાં શુભાશુભ ધ્યાનની મુખ્યતાએ ચાર પ્રકાર કહ્યા છે. તેમાં ધર્મધ્યાન અને શુક્લધ્યાન શુભશુદ્ધ ધ્યાન છે. જે ક્રમે મુક્તિનું કારણ છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અશુભ છે તે ક્રમે તિર્યંચ અને નરકગતિનું કારણ છે. આમ જીવમાત્ર ધ્યાનયુક્ત હોય છે. મનુષ્યને વિશેષ પ્રકારની શક્તિ મળી છે તે શુભ અને શુદ્ધધ્યાનને અવલંબીને મુક્તિ પામે છે. આ ધ્યાન કોઈ ક્રિયા