________________
કોઈ ને કોઈ ભળતી બાહ્યક્રિયાનો, લોકરૂઢિનો કે પરંપરાએ પ્રાપ્ત સંસ્કારનો આધાર પકડી લે છે. બાહ્ય ધર્મક્રિયાને ધર્મસ્થાન માની લે છે તેથી અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ થતો નથી. ધર્મની બાહ્ય ક્રિયા એ આત્મધ્યાન કે જ્ઞાન નથી. સાચા માર્ગની પ્રતીક્ષા કરવી ?
મુંબઈ જવા નીકળેલો મુસાફર ગાડી બે કલાક મોડી હોય તોય મુંબઈની ગાડીનું પ્લેટફોર્મ છોડતો નથી. અને અન્ય સ્થળે જતી ગાડીમાં બેસી જતો નથી; બે કલાક મોડો પણ એ સાચી ગાડીમાં જ બેસે છે. તેમ વીતરાગમાર્ગના જિજ્ઞાસુએ માર્ગદર્શક મળતાં વિલંબ થાય તો ધીરજ રાખી અનાસક્તભાવને કેળવી, પાત્ર થવામાં સમય જાય તોપણ, મૂળમાર્ગ ત્યજી અન્ય માર્ગે જવું નહિ. સ્થૂલ ક્રિયાઓથી મનની દિશા બદલાય છે, પણ મનનો લય થતો નથી. એથી દોષનો ઉપશમ થાય કે દોષ દબાય પણ સ્વત્વની અનુભૂતિ થતી નથી. વળી દબાયેલા દોષોનો મૂળમાંથી છેદ પણ થતો નથી, તેથી નિમિત્ત મળતાં તે દોષો માથું ઊંચકે છે.
ક્રોધને દબાવીને ક્ષમા ધારણ કરનારના, લોભને દબાવીને ઉદારતા દર્શાવનારના, કામને દબાવીને બ્રહ્મચર્ય પાળનારના કે માયાને દબાવીને સરળતાનો દેખાવ કરનારના દોષો તે સમય પૂરતા તો દબાઈ ગયેલા લાગે છે. પણ જો તેની અંતરંગ શ્રદ્ધા સાચા જ્ઞાનવૈરાગ્ય સહિત મૂળમાંથી બદલાતી નથી તો તે આત્મવંચના થાય છે; પોતે પોતાથી છેતરાય છે. અને એવા ભ્રમમાં લાંબો સમય વહી જાય છે. એટલે જયાં સુધી મનને ઇંદ્રિયજન્ય સુખો ગમે છે અને તેની પ્રાપ્તિ માટે મનુષ્ય લાગ્યો રહે છે, ત્યાં સુધી તે મનને બદલવાને બદલે સાધન બદલે કે સાધનોથી દૂર રહે તોપણ મનથી પાર નિજ ચેતના જાગ્રત થતી નથી. આવો સાધક ધ્યાનમાર્ગથી વંચિત રહી જાય છે.
સાધક જો પોતાના મનની વાસનાનું અને તૃષ્ણાનું યથાતથ્ય સ્વરૂપ સમજી લે કે તે અન્યભાવ છે, મારા માર્ગમાં અવરોધનું કારણ છે તેને દૂર કરે, જ્ઞાનીના બોધને ગ્રહણ કરી સત્ય દિશા પકડે તો વિષય-કષાયો તરફની વાસના દબાવાને બદલે શાંત થઈ જાય છે.
જીવન પ્રપંચોથી આવરણયુક્ત હોય અને ધ્યાનમાર્ગની અભિલાષા
૩૭