________________
આશાલક્ષી કલ્પનાઓ અહીં વિરામ પામે છે. અજ્ઞાન પ્રત્યે, તેના પ્રકારો પ્રત્યે, ચિત્રવિચિત્ર સંકલ્પ-વિકલ્પો પ્રત્યે, સંસ્કારયુક્ત મન પ્રત્યે સાધક જાગ્રત રહી સ્વાધીન થતો રહે છે.
આ માર્ગના દ્રષ્ટાઓએ આત્મકલ્યાણ અર્થે મનથી ઉપર ઊઠવા, સંઘર્ષ અને કંકોથી મુક્ત થવા, ધ્યાનમાર્ગની શોધ કરી છે. વાસ્તવિક ધ્યાન શું છે તેની સમજ આપતાં કહ્યું છે કે,
“ચૈતન્યનું અત્યંત સ્થિર થવું તે ધ્યાન છે.” . ધ્યાન એ મુક્ત જીવનની કળા છે :
જગતની કોઈ પણ કળાના ક્ષેત્ર કરતાં સિદ્ધ ધ્યાનયોગીના જીવનની કળાનું હાર્દ નિરાળું છે, તેમાં મુક્ત જીવનની સૌરભ છે. પૂર્વના કલ્પિત આગ્રહો કે મિથ્યા માન્યતાઓથી મુક્ત મનવાળો સાધક આ કળાને પાત્ર હોય છે. પૂર્વની સ્મૃતિ, પ્રવૃત્તિ કે મનના પ્રદેશોમાં ઊઠતી ચિત્રવિચિત્ર આકૃતિઓનું વિસર્જન થતાં ધ્યાન શું છે તે સમજાય છે.
જગતના વિધવિધ સંબંધો, પ્રસંગો, વાણી, વિચાર, ભાવ, વર્તન વગેરે કંઈ ને કંઈ સંસ્કાર ચિત્ત પર મૂકતાં જાય છે. તે સંસ્કારમાંથી સ્મૃતિ બને છે અને તેમાંથી પ્રકૃતિ બને છે. તે પ્રકૃતિના કારણે ગમોઅણગમો, અનુકૂળ-પ્રતિકૂળ, સ્વીકાર-અસ્વીકાર અને સુખ-દુઃખની લાગણીઓની મનમાં આકૃતિઓ રચાય છે. તે સંસ્કારરૂપે કાર્ય કરે છે. તેથી આત્મજ્ઞાનને મહાઅવરોધ ઉત્પન્ન થાય છે.
ધ્યાન દ્વારા અને ધ્યાનદશા પ્રાપ્ત થયે, જ્ઞાનની સક્રિય મનોભૂમિકા પર સ્થાપિત થયેલી સ્મૃતિ અર્થાત્ પ્રજ્ઞા, ઉપરોકત પ્રકૃતિ અને આકૃતિને દૂર કરે છે. આત્મજ્ઞાનરૂપે પ્રાપ્ત થતી આ ફળશ્રુતિ અનંતને અજવાળે છે. આ માનવજીવનની એક મહાન ચમત્કૃતિ છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ ક્ષમાપનાના શિક્ષાપાઠ પ૬માં કહ્યું છે : જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.”
આત્મપ્રકાશની ઓથે જીવનની બાહ્ય પ્રવૃત્તિ, મનની ચંચળ ગતિ અને પૂર્વની મતિ (આગ્રહ) ત્યાં શાંત થઈ જાય છે, એટલે કે ધ્યાન સર્વ કલેશોથી મુક્ત થવાનો સર્વોત્તમ ઉપાય છે.
૩૪