________________
ચિત્તની શાંત અને સ્થિર દશા થાય તો ધ્યાનમાર્ગમાં સાચો પ્રવેશ સંભવ છે, અભ્યાસ અને વૈરાગ્યભાવ વડે મનશુદ્ધિ થયા પછી ચિત્ત સ્થિરતા પામે છે. તે પછી સહજ ધ્યાનની સ્થિતિ આવે છે. તે પહેલાંના સર્વ પ્રકારો (અનુષ્ઠાનો કે આલંબનો) એકાગ્રતા કે સ્થિરતા માટે અત્યંતાવશ્યક છે. ચિત્તની સામાન્ય સ્થિરતાને કે એકાગ્રતાને ધ્યાનદશા માની ન લેવી. ધ્યાનમાર્ગની એ પ્રવેશ ભૂમિકા છે.
મુનિઓનાં હૃદયમાં સંસ્થાપિત ધ્યાનદશાના જિજ્ઞાસુ સાધકે પોતાની ભૂમિકા અનુસાર પ્રારંભ કરવો. સાધક શ્રાવક હો, (શુદ્ધ આચારવાળો) બ્રાહ્મણ હો, સાધુ હો, સંત હો કે યોગાભ્યાસી હો, સૌને માટે ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરવા પુરુષાર્થ કરવો આવશ્યક છે. વૈરાગ્ય-ઉદાસીનતા અને અભ્યાસ વડે કાળભેદે આ માર્ગમાં ઉમેદવારી જરૂર કરવી, સાધક માત્ર એ ઉમેદવારીને પાત્ર છે, અને જ્ઞાન-ધ્યાનના અનુભવનો અધિકારી છે. ભૂમિકા પ્રમાણે તે વિકાસ કરી શકે છે.
ચિત્ત સ્થિરતા માટે કરેલા દીર્ઘકાળના યોગાભ્યાસના ફળરૂપે, ચિત્ત શુદ્ધિને પરિણામે, કે ઈદ્રિયજયને પરિણામે જ્યારે જ્યોતિ, ધ્વનિ, સુગંધ, દૈહિક સુખદ સ્પંદન કે મધુબિંદુ જેવા અનુભવો થાય ત્યારે તે ધ્યાનદશા છે તેમ માની ત્યાં અટકી પડવું નહિ, એ સર્વ પાર્થિકદૈહિક સિદ્ધિઓ છે, તેમ નિશ્ચય રાખી પ્રલોભનમાં ન પડવું પણ આગળ વધવું.
કાશ્મીરનું કુદરતી-નિર્દોષ સૃષ્ટિસૌંદર્ય નિહાળવા નીકળેલો યાત્રી માર્ગમાં દિલ્હીની રાજધાની અને તેની મહેલાતો જોઈ ત્યાં જ રોકાઈ જાય તો કાશ્મીરના સૃષ્ટિસૌંદર્યનો અનુભવ પામી ન શકે. રાજધાનીનાં વૈભવયુક્ત સ્થાનો જોવાનો મોહ ત્યજી યાત્રીએ કાશ્મીર ભણી જવું હિતાવહ છે, તેમ સાધકે દૈહિક સિદ્ધિઓ ગમે તેવી લોભામણી હોય તોપણ તેમનો મોહ ત્યજી આગળ વધવું જરૂરી છે.
સાંસારિક પદાર્થોમાં સુખબુદ્ધિએ જીવનવ્યવહાર ચાલે છે, એમ ચાલે અને ધ્યાનમાર્ગે આગળ વધાય તે કોઈ પ્રકારે સંભવિત નથી. બાહ્યજીવનમાં સ્થાપિત કરેલાં મૂલ્યોનું વિસ્મરણ થયે, મન-વચનકાયાની શુદ્ધિ વડે, ઈદ્રિયના વિષયો ક્ષીણ થયે, રાગાદિ કષાય ભાવો
૧૭