________________
સ્થાન પવિત્ર રાખવું, વાતાવરણ શાંત રાખવું અને શ્રી સદ્ગુરુના આશ્રયે પ્રાણાયામ કરવા. પ્રાણાયામથી જ્ઞાનના અને યોગના પ્રતિબંધકરૂપ ક્લેશ અને પાપરૂપ મળનો નાશ થાય છે. પ્રાણના નિરોધથી કુંડલિની શક્તિનું પાલન થાય છે. અનાહતનાદ વગેરે બીજી શક્તિઓ જાગ્રત થાય છે. પ્રાણનો વિલય થાય છે ત્યાં મનનો વિલય થાય છે અને મનનો વિલય થાય છે ત્યાં પ્રાણનો વિલય થાય છે. (૫) પ્રત્યાહાર :
ચિત્તના વિષયરૂપ જે શબ્દાદિ પદાર્થો તેના વિયોગે ધ્યાન સમયે ઈન્દ્રિયોની જે સ્થિતિ, તે પ્રત્યાહાર છે. વૈરાગ્યના બળથી ચિત્ત વિષયો વિષે ધાવન (દોડાદોડ) ન કરે તથા થૈયાકાર પરિણામને પામવા જાય ત્યારે ઈન્દ્રિયો પણ ચિત્તને અનુસરે. ચિત્તનિરોધ સમયે ઈદ્રિયો બહિર્ગામી ન થતાં પોતે પણ નિરોધાભિમુખ થઈ રહે તેવો સિદ્ધ થયેલો ઈન્દ્રિયોનો ધર્મ તે પ્રત્યાહાર કહેવાય છે.
જેમ એક ભ્રમર એક વિષય પ્રત્યે આકર્ષાય ત્યારે બીજી મધુમક્ષિકાઓની તદનુસાર પ્રવૃત્તિ થાય છે, તેમ ચિત્તને અનુકૂળ ઈન્દ્રિયો થાય તે પ્રત્યાહાર છે.
પ્રત્યાહારની સિદ્ધિથી ઈન્દ્રિયોનો પરમ જય થાય છે. ચિત્તની એકાગ્રતા થવા માત્રથી કોઈ પણ અન્ય પ્રયત્ન વિના જે ઈન્દ્રિયોની નિરુદ્ધ થઈ જવાની યોગ્યતા તે જ ઈન્દ્રિયોનો પરમ જય છે. તે પ્રત્યાહારની સિદ્ધિ છે. આ પ્રકારનો ઈન્દ્રિયજ્ય યોગમાં અત્યંત આવશ્યક છે. - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ પાંચ બહિરંગો છે, તેથી મંદાધિકારી માટે અવશ્ય અપેક્ષિત છે. ઉત્તર ત્રણ અંગો અંતરંગ છે. (ઉત્તમ) અધિકારી માટે સાધારણ હોવાથી તથા યોગમાં શ્રદ્ધાતિશય ઉત્પન્ન કરનારા તથા અનેક સિદ્ધિઓ પ્રગટ કરનારા છે. (૬) ધારણા :
જે સ્થાને ધ્યેયનું ચિંતન કરવાનું છે તે ધ્યાનના આધારરૂપ વિષયમાં ચિત્તને સ્થાપન કરવું તે ધારણા છે. બાહ્ય અને આત્યંતર પદાર્થો વિષે ચિત્તને સ્થિર કરી ધારણ કરવું તે ધારણા છે. બાહ્ય પદાર્થો તે સૂર્ય, ચંદ્ર, વિદ્યુત, મણિ, શુક્રનો તારો, દેવ, સગુણ ઈશ્વરનું રૂપ, સદ્ગુરુ વગેરે છે. આત્યંતર પ્રદેશમાં પૃથ્વી આદિ પાંચ, સપ્તચક્રો,
૨૦૧