________________
ડો. શ્રી સોનેજીકૃત “સાધના-સોપાન'માંથી સંકલન
ધ્યાન-સાધકની પાત્રતા
સત્સંગ, સ્વાધ્યાય, ગુણજિજ્ઞાસા અને પ્રભુભક્તિ જેણે પોતાનાં જીવનની દૈનિકચર્યામાં ઉતારવાનો મહાન પુરુષાર્થ આદર્યો છે તે સાધકને વિષે આત્મવિચાર કરવાની સાચી પાત્રતા પ્રગટ થાય છે.
આત્મવિચાર કહેતાં ચિંતન, મનન, નિદિધ્યાસન, ભાવના, ધ્યાન, સ્મરણ, અનુપ્રેક્ષણ, સુવિચાર, ધારણા, ભેદજ્ઞાનનો અભ્યાસ વગેરે શબ્દો પરમાત્મતત્વના અનુસંધાનની પ્રક્રિયાઓનો વત્તેઓછે અંશે નિર્દેશ કરે છે.
ધ્યેયનું સ્પષ્ટ પરિજ્ઞાન ધ્યાનની પૂર્વભૂમિકા
આપણા અંતઃકરણની અંદર જો આપણે પરમાત્માનું દર્શન કરવું હોય તો આપણું અંતઃકરણ આપણે સ્વચ્છ અને સ્થિર બનાવવું જોઈએ. સ્થિરતા પ્રાપ્ત કરવાનો એક ઉપાય તે સદ્ધોધ દ્વારા કરેલો પરમાત્મતત્ત્વના સ્વરૂપનો નિર્ણય છે તે વાત ત્રિકાળ સત્ય છે. ધ્યાનાભ્યાસ
શાંત સ્થળે, સ્થિર સુખાસને જાપ ધ્વનિ, શ્વાસોચ્છવાસ, પરમાત્મા-સદ્ગુરુની મૂર્તિ ઈત્યાદિ અવલંબનો દ્વારા ધ્યાન થઈ શકે. જ્યારે ધ્યાન દરમ્યાન સાધારણ રીતે સંકલ્પ-વિકલ્પ મંદતાને પામે છે ત્યારે સામાન્ય શાંતિનો અનુભવ થાય છે. એ પ્રમાણેની સ્થિતિ થયા પછી જો ૨૦ થી ૩૦ મિનિટ ધ્યાન રહે તો એક પ્રકારના ખાસ સ્થિર શાંતિદાયક વાતાવરણના પટ્ટામાં જાણે કે આપણું આખું શરીર નિબદ્ધ થયું હોય તેવો અનુભવ થાય છે. જો આ સ્થિતિને થોડી વધુ મિનિટો સુધી જાળવી શકાય તો સ્થૂળ વૃત્તિનું ઉત્થાન થતું અટકી જાય છે. ચિદાનંદની મોજ સ્થિરતાના પ્રમાણમાં ચાર-છ કે દસ સેકંડ સુધી પ્રગટે છે, તે પછી તેની અસર થોડી મિનિટો અથવા કલાકો સુધી રહ્યા કરે છે, જે અતિશય ચિત્ત-પ્રસન્નતાને આપે છે અને સાધકને ઉલ્લસિત વીર્યથી ધ્યાનની આરાધનામાં આગળ વધવા પ્રેરે છે.
૧૯૦