________________
તે વિચાર અને સંસ્કારના અભ્યાસ માટે ચાર ભેદ છે : (૧) આજ્ઞાવિચય : આજ્ઞાનું ચિંતન.
જૈન સિદ્ધાંતમાં પ્રસિદ્ધ વસ્તુ તત્ત્વ છે તેનો સર્વજ્ઞની આજ્ઞાનુસાર વિચાર કરવો. વસ્તુના સ્વરૂપનો અનેકાંત શૈલીથી વિચાર કરવો. જેમ કે આત્મા દ્રવ્યથી નિત્ય છે, પરિણામથી અનિત્ય છે. આત્મબોધના સ્વરૂપમાં વિઘ્નભૂત હોય તેનો નિશ્ચય કરવો તે સર્વજ્ઞની આજ્ઞા છે.
આત્મા-ચેતન અને જડ એમ બે મુખ્ય તત્ત્વ છે. તેમાં જડ નિઃસાર છે. તેમાં આસક્તિ ના કરવી, આત્મસ્વરૂપમાં એકરસ થવું, તે સર્વજ્ઞની આજ્ઞા છે.
આ પ્રમાણે વિચારધારામાં તલ્લીન રહેવું તે પ્રથમ પ્રકારનું ધર્મધ્યાન છે.
(ર) અપાયવિચય : કષ્ટોનું ચિંતન.
રાગદ્વેષાદિ કષાય અને આસવની ક્રિયામાં વર્તતા જીવોને સંસારમાં દુઃખ પ્રાપ્ત થાય છે, તેનો વિચાર કરવો.
ક્રોધાદિ કષાયો મહાદુ:ખના કારણભૂત છે. ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મૈત્રીનો નાશ કરે છે, લોભ સર્વ ગુણોનો નાશ કરે છે.
મિથ્યાત્વ-અજ્ઞાન, અવિરતિ-અસંયમ, અશુદ્ધ યોગ, દુઃખના કારણરૂપ છે. ઈત્યાદિ વિવિધ પ્રકારે રાગાદિ ક્રિયામાં પ્રવૃત્તિ કરનાર
જીવોને આવી પડતાં સંકટોનો વિચાર કરવો તે અપાયવિચય-કષ્ટવિચય ધર્મધ્યાન છે.
(૩) વિપાકવિચય : કર્મના પરિણામના વિચાર.
શુભાશુભ કર્મબંધ વડે જીવો કર્મના ફળને ભોગવે છે તેનો વિચાર કરવો.
જીવના સારા-ખોટા અધ્યવસાયવૃત્તિ-અનુસાર કર્મનો સારો ખોટો બંધ થાય છે. મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ અને ક્રોધાદિ કષાયોનું મિશ્રણ થવાથી શુભાશુભ કર્મબંધન થાય છે.
કર્મબંધનના અનેક પ્રકાર છે, તેના ફળના ઉદયનો પ્રતિક્ષણે વિચાર કરવો તેને વિપાક-કર્મફળ-વિચય કહે છે.
૧૮૩