________________
વળી વચમાં ચક્ષુ બંધ કરી જેના પર દૃષ્ટિ સ્થિર કરી હોય તે પદાર્થ જ દૃષ્ટિમાં સ્થાપન કરેલો રાખવો. અભ્યાસ વડે તે તે આકૃતિ સહજ ઉપસેલી રહેશે. વળી તે આકૃતિ અદશ્ય થાય ત્યારે ફરી ચક્ષુ ખોલીને દૃષ્ટિ સ્થિર કરી પદાર્થને કે ચિત્રપટને દૃષ્ટિમાં સ્થાપન કરવું.
અથવા પોતાના નાસાગ્રે, આજ્ઞાચક્ર, સહસ્ત્રાર કે હૃદયચક્ર જેવાં સઘનકેન્દ્રો પર મન અને દૃષ્ટિને સ્થિર કરવાથી પ્રારંભમાં ચિત્તની ચંચળતા મંદ થાય છે. અનેક પદાર્થો પ્રત્યે ભ્રમણ કરતું મન કંઈક સંકોચ પામી સ્થિર થાય છે. આને પિંડ ધ્યાનનો પ્રકાર કહી શકાય.
પરમાત્મા કે સદ્ગનાં ચિત્રપટ : તેમનાં ચક્ષુ, ભાલ, મુખકમળ કે હૃદયકમળ પર દૃષ્ટિની સ્થિરતા થઈ શકે. તેમની સાક્ષાત્ ઉપસ્થિતિનો ભાવ ધારણ કરવો. તેમના ગુણોની અનુમોદના કરવી, અને ઉપર મુજબ પુનઃ પુનઃ અભ્યાસ કરવો. આને રૂપસ્થ ધ્યાનનો પ્રકાર કહી શકાય.
પરમાત્મચિંતન : પ્રારંભમાં પરમાત્માને પ્રાર્થના કરવી. હે! પરમાત્મા, આ સંસારચક્રથી મુક્ત થવા મને તારાં ચરણ-કમળને પાત્ર થવા કૃપા કર, તારા હૃદયકમળમાં મારું ચિત્ત સંલગ્ન રહો. તારા શુદ્ધ સ્વરૂપનું દર્શન મને પ્રાપ્ત થાઓ.
વિવિધ પદો વડે અરજી કરવી અને પ્રભુમય થવા પ્રયત્ન કરવો. પદોનો ગુંજારવ અહર્નિશ ચિત્તમાં ગુંજ્યા કરે તેવા ભાવોથી મનને સભર રાખવું. અભ્યાસ વડે ગુંજારવ શાંત થઈ, આત્મા જ્ઞાનરૂપે પ્રગટ અનુભવમાં આવશે. આવો આંશિક અનુભવ તે આનંદનું પ્રફુટિત ઝરણું છે. આત્માને પરમાત્મારૂપે પ્રગટ થવાની આ ઉત્તમ સમર્પણભાવના છે. પરમાત્માના સાતિશય ગુણો જ ચિત્તને આકર્ષી લે છે. આને રૂપસ્થ ધ્યાનનો પ્રકાર કહી શકાય.
વન-ઉપવન, સરિતા, સાગર કે પવિત્રભૂમિ-પહાડ જેવાં સ્થળોએ એકાંતમાં સાધક નિરાકાર સિદ્ધ-પરમાત્માનું ધ્યાન કરી શકે. આ રૂપાતીત ધ્યાનનો પ્રકાર છે.
૧૩૮