________________
સંકોચાય છે. જેમ જેમ ઉપયોગ જ્ઞાનમય શુદ્ધ થતો જાય છે તેમ તેમ ચિત્તની સ્થિરતા વધતી જાય છે. ઉપયોગની સ્થિરતા થતાં યોગો પણ સ્થિર થઈ જાય છે. ધ્યાનનો આ એક પ્રકાર છે. • ધ્યાન, એ શુદ્ધ ચેતનાની અનુભૂતિ છે
ધર્મધ્યાન એ આત્માના સત્સ્વરૂપને સ્પર્શવાનો ઉપાય છે. ધ્યાનદશા એ સતુસ્વરૂપમય છે. ધ્યાન દ્વારા સાધક આત્માનાં પરિણામો નિર્મળ જળ જેવાં કે સ્ફટિકશિલા જેવાં પારદર્શી થઈ જાય છે. સ્ફટિકશિલા સઘન છતાં પારદર્શી હોવાથી તેની આરપારના પદાર્થો ચક્ષુગોચર થાય છે તેમ ધ્યાનના અનુભવી સાધકનાં પરિણામો નિર્મળ થવાને કારણે ધ્યાનસાધકની જ્ઞાનની અભિવ્યક્તિ પારદર્શી થઈ જાય છે, અને સ્વ-પરના ભેદને યથાર્થપણે જાણે છે, જુએ છે અને સમજે છે; છતાં પણ સાધકનાં પરિણામો તે તે પદાર્થરૂપે કે ભાવરૂપે પરિણમતાં નથી. શુદ્ધ ચૈતન્યની જ્ઞાનધારાનું આ રહસ્ય છે.
સામાન્ય રીતે પ્રારંભમાં સાધકને મહાપુરુષાર્થ દ્વારા દુવૃત્તિઓનો નિરોધ કરવો પડે છે. દુવૃત્તિઓ દુષ્ટ મનનું-વિભાવભાવનું કારણ છે તે સાચું છે. પરંતુ એક ગુલાબના છોડ નજીક ગંદકી થઈ હોય તોય ગુલાબ તેની સુગંધ અને સૌંદર્ય ત્યજી દેતું નથી, કારણ કે તે બંને તત્ત્વ ભિન્ન છે. ગુલાબ એ સુવાસિત પુષ્પ છે, વળી તેના સૌંદર્યનું દર્શન થાય તો ગંદકી આપણી દૃષ્ટિમાં કે સ્મૃતિમાં રહેતી નથી. તેમ સંસારના પ્રવાહમાં રહેતો સાધક એક વાર સ્વરૂપ પ્રત્યે સભાન થઈ જાય તો તેની પવિત્રતા અને ગુણો ટકી રહે છે, અને દુર્ભાવો વિરામ પામે છે. આગળ આગળની ભૂમિકાએ આત્મા સ્વયં શુદ્ધ સ્વરૂપે અભિવ્યક્ત થતો રહે છે. ક્રમે ક્રમે સત્-ચિત-આનંદમય સ્વરૂપ પ્રગટ થતું રહે છે તે ચેતનાની શુદ્ધિનું રહસ્ય છે, જે ધ્યાન દ્વારા અનુભવમાં આવે છે.
ધ્યાનની એક પળ પણ શુદ્ધ પ્રકાશમય હોવાથી, શુદ્ધ ચેતનારૂપે પ્રગટ થઈ જીવનને બોધસ્વરૂપ કરી દે છે. “વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ નહિતર અચાનક અંધાર થાશે.”
- ગંગાસતી-રચિત ભજનમાંથી.
૧૨૫