________________
યથાશક્તિ આચરણ થવાથી સાધક નિવૃત્તિમાં જ્યારે બેસે છે ત્યારે તેને સહજ સુખકર આસન સિદ્ધ થવાનું છે, તેમાં નિઃશંક રહેવું.
પ્રાણાયામ, તે તો શ્વાસઅનુપ્રેક્ષા જેવા આલંબનથી કે દીર્ઘશ્વાસથી ચિત્તસ્થિરતા જેવી પ્રક્રિયા માટે પૂરતા થઈ પડે છે. આસન પ્રાણાયામ વડે યથાશક્તિ સ્થિરતા પ્રાપ્ત થયા પછી અને એકાંત, મૌન જેવાં સાધનોના સેવન પછી ધારણા-શક્તિ એટલે કે એક વિષય પરની સ્થિરતા, ચિંતન વગેરે અલ્પ સમય માટે સિદ્ધ થઈ શકે છે. ધારણાના અભ્યાસ પછી ધ્યાન એક વિષય પર આંતરિક અવલંબનસહિત સવિશેષ પ્રાપ્ત થવા પામે છે. પ્રારંભમાં આંતર-બાહ્ય સ્થૂલ અવલંબન હોય છે. પરંતુ દીર્ઘકાળના અભ્યાસ વડે ચિત્તની સ્થિરતા સવિશેષ થાય છે ત્યારે ચિંતનરૂપ કે કેવળ અંતરંગ સ્વરૂપનું અવલંબન સાધ્ય થાય છે. આવો અનુભવ સાધકને થાય છે તે નિઃસંશય છે.
ત્યાર પછી સમાધિની (ધ્યાન-ધ્યાતાની એકતારૂપ અવસ્થા) મહાત્માઓને પ્રાપ્ત હોય છે. સમ્યવંત આત્મા તેની ઝલક પામવાને યોગ્ય હોય છે.
આ પ્રમાણે અષ્ટાંગયોગની ઉપયોગિતાનો સ્વીકાર કરી યથાશક્તિ અને યથામતિ તેનો અભ્યાસ કરવો. યોગનાં એક એક અંગ એ સીડી જેવાં છે, તે દરેક અંગોનો આત્મલક્ષી અભ્યાસ પરમપદની પ્રાપ્તિમાં સહાયક છે.
પંચાચાર આદિ આઠે અંગોનું શુદ્ધપણે પાલન તે રાજયોગ છે. રાજયોગના અન્ય પ્રકારોનું સેવન તે ભ્રમ માત્ર છે. અહિંસાદિના પૂર્ણ આચારસહિતનો રાજયોગ, તે ધ્યાનમાર્ગને સહાયક છે.
ધ્યાન યોગ અને પરમાર્થિક યોગ-અષ્ટાંગ યોગ બંને જુગલબંધી જેવા પૂરક છે. બંનેની ફળશ્રુતિ સમાન અર્થાત્ મુક્તિ કે સમાધિ છે. ધ્યાનમાં જેમ શુભ-શુદ્ધ ક્રમિક અંગો દર્શાવ્યા છે તેમ યોગમાં ક્રમિક અંગો દર્શાવ્યા છે જે પાછળ પૂર્તિમાં એક કોઠા દ્વારા દર્શાવ્યા છે.
૧૨૦