________________
ચિત્તસ્થિરતા વગરનું ધર્મઅનુષ્ઠાન કે શુભ અવલંબન ધર્મધ્યાનને અનુરૂપ નીવડતું નથી. ચિત્ત અનેકમાં ભમે અને મંત્રજપ, શાસ્ત્રઅધ્યયન કે ભક્તિનાં પદોનું કીર્તન થાય તો તે શુષ્કક્રિયા છે તેમ જ્ઞાનીઓએ કહ્યું છે. ચિત્તની સ્થિરતા કેળવવી, તે માટે તન્મયતાપૂર્વક વિવિધ પ્રકારનાં અવલંબનો લેવાં, જો કે તે અવલંબનો શુભક્રિયાઓ છે, તોપણ આત્મજાગૃતિ સહિત તે ક્રિયાઓ દ્વારા ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા કેટલેક અંશે કેળવાય છે.
મન, વચન અને કાયાના યોગોનું સ્થિર, શાંત થવું, કે ચિત્તની સ્થિરતા થવી તે ધ્યાનમાર્ગની પ્રારંભિક ભૂમિકા છે. દીર્ઘકાળના સંસ્કારયોગે મન ચંચળ છે, તેથી કોઈ ને કોઈ રંગ. રસ, રૂપ, સ્પર્શ કે ગંધાદિના પ્રદાર્થો પર ભ્રમરની જેમ ભમતું રહે છે, ધર્મક્રિયાઓના સમયે પણ એ આવી લીલા કરી લે છે. હાથમાં માળા હોય, આંગળી ફરે, મણકો ફરે અને મને પણ ફરતું રહે. એટલે મંત્રસિદ્ધિ થઈ ચિત્તની ચંચળતાનું શમન થવું જોઈએ તે થતું નથી. આત્મશ્રદ્ધામાં સાધકનું સત્ત્વ પ્રગટ થાય છે, તે સાધક સ્વાધીન છે, દેહાધીન હોતો નથી.
સૌપ્રથમ ચિત્તને મિત્ર બનાવી, સમજાવીને કોઈ અવલંબન પર સ્થિર કરવું. દાખલા તરીકે ૐ ધ્વનિ, સ્થિર દીવાની જ્યોત, સૂમબિંદુ, સદ્ગુરુ કે પરમાત્માની મૂર્તિ ઈત્યાદિ સાધનોનું અવલંબન લેવું. વળી શ્વાસપ્રશ્વાસ સાથે ચિત્તને જોડવું. સ્વદેહનાં હૃદયચક્ર આદિ સઘન કેન્દ્રો પર ચિત્તને એકાગ્ર કરવું. આવા ઉપાયો યોજવાથી ચિત્તની સ્થિરતા કેળવાય છે. તે પછી ભક્તિ, સ્વાધ્યાય કે મનન, ચિંતન જેવી ક્રિયાઓમાં ચિત્ત સહેજે સ્થિર થાય છે. અભ્યાસ વધે તેમ તન્મયતા વધે છે.
શરીરમાં વ્યાધિ હોય અને દવાની એક નાની સરખી ટીકડીના સેવનથી, ઉદરમાં પહોંચેલી તે ટીકડી પાચક રસોમાં ભળીને, લોહીના ભ્રમણમાં ભળીને, શિરદર્દ મટાડે છે, તેમ ચિત્તની એકાગ્રતા થવાથી આત્મપ્રદેશો પર જાણે કે “રાસાયણિક અસર થાય છે. આત્માના પ્રદેશ પ્રદેશે વ્યાપ્ત ચિત્તની ચંચળતાનું દર્દ ચિત્ત સ્થિર થતાં શમે છે, મનની શુદ્ધિ થતી રહે છે. સ્થિરચિત્ત ધ્યાનની અનુભૂતિ પામે છે.
૧૦૨