________________
૬. ધ્યાનમાર્ગમાં ચિત્તસ્થિરતા
મનની શુદ્ધિ, સ્વ-નિરીક્ષણ અને ચિત્તવૃત્તિઓના ઉપશમન પછી ચિત્તની સ્થિરતા આવે છે. મન, વચન અને કાયાના યોગોની પ્રવૃત્તિઓ શાંત થાય છે. વિષયાકુળ ચિત્ત વિનયાન્વિત થઈ અંતર્મુખ થાય છે. અહીંથી સાક્ષાત્ ધ્યાનમાર્ગની પ્રવેશચિઠ્ઠી મળે છે.
ચિત્તની સ્થિરતા વડે પરિણામોની નિર્મળતા વધે છે. તેવી સ્થિરતા, નિર્મળતા કે ચિંતનરૂપ પળોમાં કોઈ પણ ધ્યાનની અનુભૂતિરૂપે પ્રકટ થાય છે. તેની પ્રતીતિરૂપે આત્મા નિરપેક્ષ આનંદ તથા નિરામય કલેશરહિત સ્થિતિ અનુભવે છે.
આવી ઉત્કૃષ્ટદશાની અને અનુભવની વિશાળ સંભાવના માનવજીવનમાં સવિશેષપણે અંતગર્ત રહેલી છે. તેને પ્રકટ થવા ચિત્તની સ્થિરતા ઉત્તમ અંગ છે. તે સ્થિરતા માટે અષ્ટાંગયોગના ક્રમિક વિકાસના પ્રકારોનું પ્રદાન ઘણું મહત્વનું છે. પરંતુ ગૃહસ્થદશામાં તે પૂર્ણપણે શકય ન હોવાથી ફકત પાત્રતા માટે ચિત્તની સ્થિરતા કેળવવા શ્વાસ કે કાય-અનુપ્રેક્ષા, આસન, પ્રાણાયામ, ધ્વનિઅનુપ્રેક્ષા કે મૌન જેવાં પ્રયોગાત્મક સાધનોનો યથાયોગ્ય ઉપયોગ કરવો આવશ્યક છે.
ચિત્તની ચંચળ કે અશુદ્ધદશામાં ધ્યાનમાર્ગમાં પ્રવેશ મળવો શક્ય નથી અને એવી દશામાં અટકીને બેસી રહેવું પણ યોગ્ય નથી. જિજ્ઞાસુ આત્માએ તાત્કાલિક સુયોગ શોધીને શુભારંભ કરી દેવો. આ સ્વાધ્યાયમાં ચિત્તની સ્થિરતા માટે કેટલીક વાસ્તવિક અને રસપ્રદ હકીકત પ્રસ્તુત થઈ છે તે ઉપયોગી નીવડશે. તે પછી ધ્યાનનું રહસ્ય લક્ષમાં આવશે અને ચિત્ત સહજપણે ધ્યાનમાર્ગ પ્રત્યે આકર્ષાયેલું રહેશે.
ચિત્તસ્થિરતા એ ધ્યાનમાર્ગનું મહત્ત્વનું અંગ મનાયું છે.
ચિત્તની જો સ્થિરતા થઈ હોય તો તેવા સમય પરત્વે પુરુષોના ગુણોનુ ચિંતન, તેમનાં વચનોનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન અને પ્રત્યેક ચેષ્ટાના ફરી ફરી નિદિધ્યાસન, એમ થઈ શકતું હોય તો મનનો નિગ્રહ થઈ શકે ખરો; અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે, પણ ઉદાસીન ભાવે ચિત્તસ્થિરતા સમય પરત્વે તેની ખૂબી માલૂમ પડે.”
- શ્રીમદ્ રાજચંદ્રજી વચનામૃત ૨૯૫. ૧૦૧