________________
૩૦
ગમાર! ડ-ડેસી કહે – “હવે ક્યાં જાય?' રાજાને ઘેર !' ‘મૂરખ, મૂળિયું તે છે નહિ, – કુંવરીને શું ખવરાવીશ, તારું માથું?”
મૂળિયું નથી; પણ કુંવરી તો છેને! ખબર કાઢવા જવામાં શું આપવું-લેવું છે?
ઇવાન પહોંચ્યો રાજાને ગામ. ગાડું છોડીને પેઠો રાજાના મહેલમાં.
પણ આ શું? મહલનું પગથિયું ચડ્યો કે કુંવરી થઈ ગઈ સાજી. અંદર પેઠો ને કુંવરી માંડી કૂદવા!
રાજાએ સાંભળ્યું ને તરત ઇવાનને પાસે બોલાવ્યો. કપડાં બદલાવી પહેરાવ્યાં નવાં.
રાજા કહે- “મારી દીકરી ને પરણાવું; તે જિવાડી.” ઇવાન કહે- “જેવી મરજી.” ધામધૂમથી લગન થયું.
થોડા દહાડા પછી રાજા મરી ગયો, એટલે ઇવાનભાઈને બેસાડયા ગાદીએ.
આમ ત્રણે ભાઈ રાજા બન્યા : સાઈમન, તરાસ ને ઇવાન !
ત્રણ રાજાને રાજકારભાર
ત્રણે ભાઈ મંડયા રાજ કરવા :
મોટા સાઇમને રાજમાં હુકમ કાઢ્યો : “દશ ઘર દીઠ એક જુવાન આપો – લશ્કરમાં ભરતી થવા. ઊંચે હોય ને તગડો!'
પછી સાઇમને બધાને તાલીમ આપી; બધાને હથિયાર આપ્યાં. બધા બરકંદાજ! રાજાને જે ગમે તે પડાવી લાવે– ઝૂંટવી લાવે. આખું રાજ રાજાનું - રાજા સાઇમન ઝીંદાબાદ!