________________
ગમાર!! ભૂતડું ઝાડ પર ચડી ગયું; ઇવાને ઝાડ કાપ્યું તેને સીધું જમીન પર પડવા ન દીધું: બીજાં ઝાડની ડાળીઓમાં ભેરવી રાખ્યું. ઇવાને ઝટ મોટો વળો કાપ્યો અને ઝાડના થડ નીચે ઘાલીને કર્યું જોર. તરત ઝાડ અમળાઈને નીચે આવ્યું જમીન ઉપર
ભૂતડે બીજા ઝાડનેય ડાળીઓમાં ગૂંચવ્યું. ઇવાનને ફરી વળો વાપરવો પડયો. આમ ચાલી ભૂતડાની રમત. ઇવાને પચાસેક ઝાડ ધારેલાં; પણ કપાયાં માંડ દશેક! ઇવાન થાક્યો; કમર બહુ દુ:ખે : ઊભું પણ ન રહેવાય. ઝાડ અધ-કાપ્યું રાખીને પડયો આડો.
ભૂતડાભાઈ ખુશખુશ! “થાક્યો છે બરાબર; હવે ક્યાં જવાનો છે?” બોલીને એ જ ઝાડની ડાળી ઉપર પોતેય આડા પડયા. નિંદર આવી ગઈ.
પણ ઇવાનને નિરાંત શાની! ઝપ બેઠો થયો ને કેડ મરોડીને વઝી કુહાડી. એક જ ઘાએ ઝાડ કડડભૂસ આવ્યું જમીન ઉપર. ભૂતડાભાઈ જાગીને ભાગે તે પહેલાં ચંપાયા ડાળ તળે.
ઇવાન માંડ્યો ડાળ કાપવા. ભૂતડાભાઈ નીચે તરફડે. “પાછો આવ્યો ભંડા? ના કહેતો હતોને! ઠીક, હવે તારી વલે કરું.’ એમ કહીને ઇવાને કુહાડી ઉગામી.
ભૂતડો કરગરી પડ્યો -“ના મારશો બાપા, હું બીજો છું : તમારા ભાઈ તરાસવાળો.’
ભલેને બીજો હોઉં; પણ અહીં આવ્યો જ શા સારુ?”
બાપા, કદી પાછો નહિ આવું, મને એક વાર જવા દો ! તમારું કંઈક કામ કરતે જઈશ.'
તું વળી શું કામ કરવાનો?'
જુઓ બાપા, તમને પાંદડાંની મહોરો બનાવતાં શીખવાડી દઉં !'
એ વળી શું? બનાવ જોઉં થોડીક.”