________________
અનેકાંતવાદ
૫૩
તથા અવસ્થા (પર્યાય) ભેદે એક જ વસ્તુ અનેક પરિવર્તનો પામે છે. એ પરિવર્તનશીલ છે એટલે એને અનિત્ય કહી શકાય-અનિત્ય છે. છતાં, એનું મૂળ દ્રવ્ય, જુદા જુદા સ્વરૂપમાં પણ એમાં કાયમ રહે છે, એટલે એને નિત્ય પણ કહી શકાય-નિત્ય છે. એકલું નિત્ય કહેવું એ જેમ ખોટું ઠરે તેમ એકલું અનિત્ય કહેવું એ પણ ખોટું છે.
આ પરિવર્તન પણ સહસા-એકાએક નથી થતું. એ એનો સમય લે જ છે. કપડું એકદમ મેલું થતું નથી, ચોખામાંથી ભાત એકદમ નથી બની જતો, ઘઉંમાંથી સીધી રોટલી નથી બનતી અને બાળક એકદમ વૃદ્ધ નથી બનતું. આ બધાનો એક કાળક્રમ છે. આવા બધા પરિવર્તનો છતાં એની મૂળ વસ્તુનો સર્વથા નાશ પણ નથી થતો.
કોઇપણ પદાર્થના એક સ્વરૂપનો નાશ થતાં, બીજા સ્વરૂપે તે દેખાવ દે જ છે. એના મૂળ દ્રવ્યનો આ પરિવર્તનને કારણે સર્વથા નાશ થતો નથી. અગ્નિના સંપર્કમાં આવીને પાણી બળી જાય છે, વરાળ બનીને ઊડી જાય છે. એ વરાળને યાંત્રિક ગોઠવણથી બીજા કોઇ વાસણમાં ઝીલી લેવાય તો પાછું તેનું પાણી થાય જ છે; પછી ભલે એને ‘ડીસ્ટીલ્ડ વોટર' ના નામથી ઓળખો. એ વરાળમાં પણ પાણીનું મૂળ સ્વરૂપ તો સચવાયું જ હતું. પાણીમાં જે બે પ્રકારના વાયુ H,O છે, તે પણ તેનાં બધાં જ પરિવર્તનો દરમિયાન તેમાં એક યા બીજા સ્વરૂપે રહે જ છે.
માટીમાંથી ઘડો જ્યારે બનાવ્યો ત્યારે તે ઘડાના સ્વરૂપમાં પણ મૂળ પદાર્થ માટીનું અસ્તિત્વ તો રહ્યું જ. એ ઘડાના જ્યારે ટુકડા થાય છે, ત્યારે, એના એ * બીજા સ્વરૂપમાં પણ મૂળ દ્રવ્ય માટીનું અસ્તિત્વ હોય જ છે.
એ જ ન્યાયે તત્ત્વજ્ઞાનની ભૂમિકા ઉ૫૨, કોઇપણ વસ્તુતત્ત્વને સર્વથા સત્ય કે સર્વથા અસત્ય, સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય એમ માનવું એ પણ ભૂલ છે. બધા જ વસ્તુતત્ત્વો જેવા છે તેવા જ રહેવાના હોય, એમાં પરસ્પર વિરોધી ગુણધર્મો જો ન હોય અને એ પરિવર્તનશીલ ન હોય તો પછી એનું અસ્તિત્વ કેવળ નિરૂપયોગી બની જાય છે.
પત્થર એક કાળે જેવો અને જેવડો છે, તેવો અને તેવડો જ જો સર્વકાળે તે રહેવાનો હોય, તો પછી એનો અર્થ એ થયો કે તેનામાં ક્રિયાશીલતા નથી. હવે, એનામાં ક્રિયાશીલતા જો ન હોય, તો પછી એના દ્વારા કંઇ પણ કાર્ય થાય એવી આશા કેમ રાખી શકાય ?
એવી જ રીતે, બ્રહ્મને એકને જ માત્ર સત્ય માનવામાં આવે અને એના અસ્તિત્વને તદ્દન સ્થિર તેમ જ અપરિવર્તનશીલ માનવામાં આવે, તો પછી, એનામાં