________________
માની ભૂમિક
આ પ્રશ્નોનો જવાબ જૈન તત્ત્વવિશારદોએ જે રીતે આપ્યો છે એવો બીજા કોઇએ આપ્યો જાણ્યો નથી. એનો જવાબ અનેકાંતવાદ અને સાદ્વાદ દ્વારા મળે છે. આ અનેકાંતવાદ અને સ્યાદ્વાદનું જે શિક્ષણ જૈન તત્ત્વજ્ઞાન આપે છે તેવું બીજા કોઇપણ તત્ત્વજ્ઞાને આપ્યું જાણવામાં નથી.
આ તત્ત્વજ્ઞાનના પાયામાં જે મુખ્ય બાબત છે, તે એ છે, કે કોઇપણ એક જ દષ્ટિબિંદુથી કોઇપણ વાતનો વિચાર ન કરો જે બાબતોનો વિચાર કે નિર્ણય કરવાનો હોય એને બીજી કોઇ બાજુઓ છે કે કેમ એનો વિચાર કરો. ઢાલની બીજી બાજુ જોવાની વાત તો ઘણા લોકોએ કરી છે; પરંતુ એ ઢાલ “આપણી પોતાની કલ્પના મુજબની” હોય છે. એમાં બે જ બાજુઓ હોય છે. એ બધામાં, ઉપર જણાવી ગયાં તેવા દુષણો તો પાછા હોય જ છે. - એટલા માટે, જૈન તત્ત્વજ્ઞાનીઓએ હંમેશાં એવો આગ્રહ રાખ્યો છે કે, તીવ્ર બુદ્ધિશક્તિ હોવા છતાં ય, તટસ્થભાવ જ્યાં સુધી પ્રગટતો નથી, ત્યાં સુધી, પૂર્ણ સત્યની પ્રાપ્તિ થતી જ નથી. આટલા માટે જ તેઓ કહે છે કે સૌથી પ્રથમ તટસ્થવૃત્તિ કેળવવાનું અતિશય આવશ્યક છે.
એ તટસ્થવૃત્તિ કેળવવા માટે, અજ્ઞાનને દૂર કરીને સાચું (સમ્યગુ) જ્ઞાન મેળવવું પડશે. ખોટું જ્ઞાન (ગેરસમજણ) જે છે તે મિથ્યાજ્ઞાનને ફેંકી દેવું પડશે. તમામ પ્રકારના પૂર્વગ્રહોને-બાંધી લીધેલા અભિપ્રાયોને-ભંડારી દેવા પડશે. અહંભાવથી તદન મુક્ત બનવું પડશે. આંધળો સ્વાર્થ એટલે ઇંદ્રિયાદિક વૃત્તિઓ સાથે સંબંધ ધરાવતો જે ભૌતિક સ્વાર્થ છે, તેને દૂર કરવો પડશે. ઇંદ્રિયાદિક વાસનાઓ અને વૃત્તિઓની ગુલામગીરીમાંથી પૂર્ણ સ્વાતંત્ર્ય મેળવવું પડશે. વિવેકબુદ્ધિ પૂર્ણપણે જાગૃત કરવી પડશે અને સમગ્ર જગત તરફ કરૂણાભાવ તથા મૈત્રીભાવ કેળવીને, સહિષ્ણુતાની પરમ પાવક જ્યોતને પ્રગટાવવી પડશે. ' બહુ મોટી વાત થઈ ગઈ, નહિ?
એ બધું વાંચીને ભડકી જવાની કશી જરૂર નથી. જેમણે અનેકાંતવાદ અને સ્યાદ્વાદનું અપૂર્વ તત્ત્વજ્ઞાન જગતને ભેટ આપ્યું છે, એ બધા જૈન તીર્થકરો-સર્વજ્ઞ ભગવંતોઉપર વર્ણવ્યા બધાજ દોષોમાંથી મુક્તિ મેળવી શક્યા હતા અને પૂર્ણજ્ઞાનકેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પછી જ તેમણે એ બધી વાતો જગત સમક્ષ રજુ કરી હતી.
એટલી હદ સુધી આપણે કોઈ પહોંચેલા નથી. પરંતુ, એમણે જે કહ્યું છે એ સમજવાની શક્તિ પણ આપણામાં નથી, એવું માની લેવાની કંઈ જરૂર નથી. એ પરમપદને આપણે પામ્યા નથી એ એકજ કારણ, આ બધું સમજવા માટેનું આપણને પ્રોત્સાહન આપવા માટે પૂરતું છે.