________________
પાંચ કારણ
૮૩
બીજો શબ્દ ‘નિગોદ’ છે. આ બહુ ઉપયોગી અને સમજવા જેવો શબ્દ છે. આ સમજવા કે સમજાવવા માટે ‘જીવવિષયક વિચારોનું જીવતત્ત્વવિચારનું - આખુયે • શાસ્ત્ર ઉખેળવું પડે. એના માટે ગ્રંથના મહાવિસ્તારની જરૂર પડે અને વળી, એમ કરવા જતાં વિષયાંતર થઇ જાય. આમ છતાં, એ શબ્દનો સંપર્ક આપણને થયો છે તો એને વિષેની સંક્ષિપ્ત સમજણ આપણે મેળવી લઇએ.
‘જૈન તત્ત્વજ્ઞાન અનુસાર એકેંદ્રિયથી પંચેન્દ્રિય સુધીના જે જીવો આ સંસારમાં છે તે બધા ‘નિગોદ’માંથી આવેલા છે. ‘નિગોદ’ એટલે, ‘અનંતા સૂક્ષ્મ એકેંદ્રિય જીવોનું એક શરીર.' આ નિગોદો આ લોકમાં અસંખ્યાતી છે. એક એકમાં અનંતા જીવો ભરેલા છે. તેવી અસંખ્યાત નિગોદોમાં અનંતાનંત જીવો વિદ્યમાન છે.
‘નિગોદમાં વસનારા જીવો અત્યંલ્પ ચૈતન્યવાળા અને કોઇપણ પ્રકારની વિશેષ સામગ્રી યા વિશેષ પુરૂષાર્થની અનુકૂળતા વિનાના-સમાનકર્મી-હોવા છતાં, ત્યાંથી એમને બહાર નીકળવાનું નિયતિ ઉર્ફે ભવિતવ્યતાને વશવર્તી છે.’
‘આ સંસારમાંથી, સર્વ કર્મોનો ક્ષય કરીને, જેટલા જીવો મોક્ષમાં જાય છે, એટલા જીવો નિગોદમાંથી બહાર નીકળે એવો આ સંસારચક્રનો નિયમ છે. ત્રણેય કાળમાં મોક્ષે જનારા જીવોની સંખ્યા કરતા અનંતગુણા જીવો, એક એક નિગોદમાં રહેલા છે. તે કારણે મોક્ષનો માર્ગ સતત ચાલુ હોવા છતાં આ સંસાર, કોઇપણ કાળે, ખાલી થતો નથી.
જીવવિષયક જે પ્રરૂપણ જૈન તત્ત્વવેત્તાઓએ કરેલું છે તેવું બારીક અને સૂક્ષ્મ વિવરણ બીજા કોઇ તત્ત્વજ્ઞાનમાં મળતું નથી. ખાસ કરીને નિગોદના જીવ વિષેની વાતો જૈન દાર્શનિકોએ બતાવી છે, તે સામાન્ય રીતે અગમ્ય હોય તેવું ઘણાને લાગે છે. પરંતુ, આધુનિક વૈજ્ઞાનિકોએ આ વાતનું સમર્થન કરેલું જ છે. તેઓ પણ માને છે કે તમામ પોલાણ સૂક્ષ્મ જીવોથી ભરેલું છે. આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓએ એવી શોધ કરી છે કે ‘એક સોયના અગ્ર ભાગ ઉપર, કોઇપણ જાતની ગરદી કર્યા વિના અને ખુશાલીથી એક લાખ કરતા વિશેષ સંખ્યામાં આરામથી બેસી શકે તેવા સૂક્ષ્મ જીવો આ સંસારમાં છે.’ આ જીવોને વૈજ્ઞાનિકોએ ‘થેકસસ’ એવું નામ આપ્યું છે.
આ જોતાં એ સ્પષ્ટ થાય છે કે જૈન તત્ત્વવેત્તાઓએ નિગોદમાં રહેનારા જીવોની જે વાત કરી છે તે સાચી અને પ્રમાણભૂત છે. ‘જીવવિચાર'નો આ વિષય ખૂબ જ રસિક છે. એનો અભ્યાસ કરવાથી વિશેષ ખાત્રી થઇ શકે.
સ્થાવર, ત્રસ, સૂક્ષ્મ અને બાદર ઇત્યાદિ જીવો વિષે જેમણે વધારે જાણવું હોય તેમણે આ અંગેનું સાહિત્ય મેળવીને વાંચવું અથવા કોઇ તજજ્ઞ પુરૂષોનો સંપર્ક સાધવો.