________________
ઉત્તમ સત્ય
સત્યધર્મની જયારે પણ ચર્ચા ચાલે છે ત્યારે ધણું કરીને સત્યવચનને જ સત્યધર્મ સમજી લેવામાં આવે છે. સત્યધર્મના નામે સત્યવચનનાં જ ગુણગાન ગાવામાં આવે છે.
એમ કહેવામાં આવે છે કે સત્ય બોલવું જોઈએ, જૂઠું કદી પણ નહીં બોલવું જોઈએ; જૂઠા આદમીનો કોઈ વિશ્વાસ કરતું નથી. દુકાનદારીમાં પણ જેની એકવાર સાચાપણાની ખ્યાતિ જામી ગઈ તે જામી ગઈ, પછી ભલે તે બમણા પૈસા પણ લે, કોઈ પૂછે નહીં.
જરા વિચાર તો કરો કે આ સત્યવચન બોલવાનો ઉપદેશ છે કે સત્યની ઓટ હેઠળ લૂંટવાનો. મારા કહેવાનું પ્રયોજન આ છે કે આપણે સત્યવચનનું પણ યથાર્થ પ્રયોજન સમજતા નથી તો પછી સત્યધર્મની વાત તો બહુ જ દૂર છે.
સામાન્ય જનો તો સત્યવચનનો સત્યધર્મ સમજે જ છે; પરંતુ આશ્ચર્ય તો ત્યારે થાય છે કે જયારે સત્યધર્મ પર વર્ષોથી વ્યાખ્યાન કરવાવાળા વિદ્વાનો પણ સત્યવચનથી વિશેષ આગળ વધતા નથી.
સત્યવચનને પણ જિનાગમમાં વ્યવહારથી સત્યધર્મ કહેવામાં આવેલ છે અને એના પર વિસ્તૃત વિવેચન પણ થએલ છે. એનું પણ પોતાનું મહત્વ છે, ઉપયોગિતા છે; આમ છતાં જયારે અંતસ્તલ પર જઈ નિશ્ચયથી વિચાર કરીએ તો સત્યવચન અને સત્યધર્મમાં મહાન અંતર દેખાઈ આવે છે. સત્યધર્મ અને સત્યવચન બિલકુલ ભિન્ન-ભિન્ન બે વસ્તુ માલૂમ પડી આવે છે.
ધ્યાનમાં રહે કે અહીં જિનાગમમાં વર્ણવેલા ઉત્તમક્ષમા, ઉત્તમમાર્દવ, ઉત્તમશૌચ, ઉત્તમસત્ય વગેરે દશ ધર્મોમાં જે ઉત્તમ સત્યધર્મ કહેવામાં આવેલો છે—એની ચર્ચા અપેક્ષિત છે. અહી સત્યધર્મનું સમસ્ત વિશ્લેષણ ઉકત પ્રસંગમાં જ કરવામાં આવી રહેલ છે.
ગાંધીજીએ પણ સત્યને વચનની સીમાથી પર–ઉપર સ્વીકારેલ છે. તેઓ સત્યને ઈશ્વરના સ્વરૂપમાં દેખે છે. (Truth is God).