________________
૫
ઉત્તમ શૌચ
“વેર્ભાવઃ શૌવન્” શુચિતા અર્થાત્ પવિત્રતાનું નામ શૌચ છે. શૌચની સાથે લાગેલો ઉત્તમ’ શબ્દ સમ્યગ્દર્શનની સત્તાનો સૂચક છે. તેથી સમ્યગ્દર્શન સહિત હોવાવાળી વીતરાગી પવિત્રતા જ ઉત્તમ શૌચધર્મ છે.
શૌચધર્મનો વિરોધી લોભકષાય માનવામાં આવેલો છે. લોભને પાપનો બાપ કહેવામાં આવે છે, કેમકે જગતમાં એવું કયુ પાપ છે જે લોભીજન ન કરતો હોય. લોભી શું નથી કરતો ? તેની પ્રવૃત્તિ ગમે તેમ યેન—કેન પ્રકારે ધનાદિ ભોગ–સામગ્રી એકઠી કરવાની જ રહેતી હોય છે. લોભી વ્યકિતની પ્રવૃત્તિનું વર્ણન મહાપંડિત ટોડરમલજીએ આ પ્રમાણે કર્યુ છેઃ—
જયારે આને લોભકષાય ઊપજે ત્યારે ઈષ્ટ પદાર્થના લાભની ઈચ્છા હોવાથી તે અર્થે અનેક ઉપાયો વિચારે છે. તેના સાધનરૂપ વચન બોલે છે, શરીરની અનેક ચેષ્ટાઓ કરે છે,; ખૂબ કષ્ટ સહન કરે છે, સેવા કરે છે, વિદેશગમન કરે છે; જેમાં મરણ થવું જાણે તે કાર્ય પણ કરે છે તથા લોભ થતાં પૂજય અને ઈષ્ટનું પણ કાર્ય હોય ત્યાં પણ પોતાનું પ્રયોજન સાધે છે, કાંઈ વિચાર રહેતો નથી. તથા જે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થઈ છે એની અનેક પ્રકારે રક્ષા કરે છે. જો ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય, અથવા ઈષ્ટનો વિયોગ થાય તો પોતે ખૂબ સંતાપવાન થાય છે, પોતાના અંગોનો ઘાત કરે છે તથા વિષભક્ષણ આદિ વડે મરણ પામે છે. આવી અવસ્થા લોભ થતાં થાય છે.’’ આચાર્ય શુભચંદ્ર તો ‘જ્ઞાનર્ણવ’ ના ઓગણીસમા સર્ગમાં ત્યાં સુધી લખ્યું છેઃ
૧
स्वामिगुरूबन्धुवृद्धानबलाबालांश्च जीर्णदीनादीन् । व्यापाद्य विगतशङ्को लोभार्तो वित्तमादत्ते ।।७० ।
ये केचित्सिद्धान्ते दोषाः श्वभ्रस्य साधकाः प्रोक्ताः । प्रभवन्ति निर्विचारं ते लोभादेव जन्तूनाम् ।।७१।।
૧. મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૫૭