________________
૩૯
ઉત્તમઆર્જવ)
માયાચારી વ્યકિત પોતાના બધાં કાર્યો માયાચાર વડે જ સિદ્ધ કરવા ઈચ્છે છે. તે એમ નથી સમજતો કે કાષ્ઠ ની હાંડી વારંવાર સીજતી નથી. એકવાર માયાચાર ખુલ્લો પડી જતાં જીવનભર માટે વિશ્વાસ ઊઠી જાય છે. છેતરપિંડી વડે કોઈ-કોઈ વાર અને કોઈ-કોઈ ને જ ઠગી શકાય છે, હંમેશા નહીં અને સૌને પણ નહીં. - અહીં ધ્યાન આપવા યોગ્ય વાત આ છે કે લૌકિક કાર્યોની સિદ્ધિ માયાચારથી નહીં, પૂર્વ પુણ્યોદય વડે થાય છે. અને પારલૌકિક કાર્યોની સિદ્ધિમાં પાંચેય સમવાય સહિત પુરૂષાર્થ પ્રધાન છે. આ કાર્યસિદ્ધિ માટે કપટનો પ્રયોગ નિર્બળ વ્યકિત કરે છે. સબળ વ્યકિતને પોતાની કાર્યસિદ્ધિ માટે કપટની આવશ્યકતા જ નથી પડતી. એની પ્રવૃતિ તો પોતાના બળના આધારે કાર્ય સિદ્ધ કરવાની રહેતી હોય છે.
એમ પણ નથી કે માયાચારની પ્રવૃત્તિ માત્ર કોઈને ઠગવા માટે જ કરવામાં આવતી હોય કેટલાક લોકો મનોરંજન માટે અથવા આદતવશ પણ એમ કરતા હોય છે. એ લોકોને અહીં-તહીં લડાવવામાં કાંઈક આનંદ આવતો હોય છે. આવા લોકો પોતાના નિકૃષ્ટ મનોરંજન માટે બીજાઓને મહાન સંકટમાં નાખવાનું ચૂકતા નથી.
. આજકાલ સભ્યતાના નામે પણ ઘણો–ઘણો માયાચાર ચાલે છે. વિના ભેળસેળ કહેલી સાચી વાત તો લોકો સાંભળવી પણ પસંદ કરતા નથી. આ પણ એક કારણ છે કે લોકો પોતાના ભાવ સરળરૂપે પ્રગટ ન કરતાં આડી-અવળા સ્વરૂપે વ્યકત કરે છે. સભ્યતાના વિકાસથી માનવી અતિશય મીઠા-બોલો બની ગયો છે. ઉપરથી મીઠી-મીઠી વાતો કરવી અને અંદરથી કાપવું એ આજના માનવી માટે સાધારણ વાત બની ગઈ છે.
તે એમ નથી સમજતો કે આ માયાચારીપણું માત્ર બીજાઓને માટે જ નહીં, પોતાના માટે પણ ખૂબ ભયજનક નીવડી શકે છે, એનાં પોતાના સુખ–ચૈન નષ્ટ કરી શકે છે; નષ્ટ કરી શું શકે, કર્યે જ રાખે છે.
માયાચારી વ્યકિત હંમેશા સશંક રહે છે, કેમકે એણે જે દુરંગી નીતિ અપનાવી છે એ ખૂલ્લી પડી જવાનો ભય એને નિરંતર રહ્યા કરે છે. કપટ કોઈ ને કોઈ વાર પ્રગટ થઈ જ જાય છે, એની ગુપ્તતા કાયમ રાખવી અસંભવ નહીં, તો કઠણ કામ તો જરૂર છે. તે હંમેશા એમાં જ ગુંચવાએલો રહે છે.