________________
ઉત્તમમાર્દવ)
૨૫
બંનેય વૃત્તિઓ ખોટી છે, કેમકે એ ક્રમશઃ ક્રોધ અને માનને અનુકૂળ
છે.
દુનિયામાં એવા લોકો ભલે બહુ થોડા મળે જે ગુણોને અવગુણરૂપે પ્રસ્તુત કરે, પરંતુ એવા ખુશામતખોરો તો ડગલે ને પગલે મળશે જેઓ નાના સરખા ગુણને વધારી–વધારીને કહે. લખપતિને કરોડપતિ કહેવા એ તો સાધારણ વાત છે.
એક વાત એ પણ છે કે નિંદા કરવાવાળા ધણું કરીને પીઠ પાછળ નિંદા કરતા હોય છે, મોં સામે નિંદા કરનારા ખૂબ ઓછા મળશે; પરંતુ પ્રશંસા અધિક પ્રમાણમાં મોં સામે જ કરવામાં આવે છે. પીઠ પાછળ ભાગ્યે જ. તે લોકો મહા ભાગ્યશાળી છે જેમની પ્રશંસા લોકો પીઠ પાછળ પણ કરતા હોય.
તેથી પ્રશંસા નિંદા કરતાં વધારે ખતરનાક છે.
પ્રતિકૂળતામાં ક્રોધ અને અનુકૂળતામાં માન આવે છે. અસફળતા ક્રોધની અને સફળતા માનની જનેતા છે. આ જ કારણે અસફળ વ્યકિત ક્રોધી હોય છે અને સફળ માની. જયારે કોઈ વ્યકિત કોઈ કામમાં અસફળ થાય છે તો તે એવી સ્થિતિઓ પર કોપાયમાન બને છે જેને તે અસફળતાનું કારણ સમજે છે અને સફળ થતાં સફ્ળતાનું શ્રેય સ્વયં પોતાને શિરે લઈ ને અભિમાન કરવા લાગે છે.
જો કે માન પણ ક્રોધના જેવો ખતરનાક વિકાર છે, છતાં કોણ જાણે કેમ લોકો એનાથી પ્યાર કરે છે ? સૌનાં ધરોમાં માનપત્ર ટાંગેલાં મળી આવશે; પરંતુ કોઈના ઘેર ક્રોધપત્ર નહીં મળે. ક્રોધપત્ર કોઈ કોઈને આપતું પણ નથી અને જો કોઈ આપે તો કોઈ સ્વીકારે પણ નહીં, પછી ધરમાં ટાંગવાની વાત તો બહુ દૂર છે. પરંતુ લોકો માનપત્ર ખૂબ ગૌરવથી લે છે અને તેને ખૂબ પ્રેમથી ધરમાં ટિંગાડે છે. ઘણા લોકો તો એને જ્ઞાનપત્ર સમજે છે, જો કે એના પર સાફ–સાફ લખેલું હોય છે—માનપત્ર, આટલાથી પણ સંતોષ ન થાય તો પછી તેને પૂરૂ ને પૂરૂ વર્તમાનપત્રોમાં છપાવે છે, ભલે એનો વિજ્ઞાપન ખર્ચ ઉઠાવવો પડે.
કદાચિત્ કોઈવાર માનપત્ર મળી જાય તો તેને ખૂબ સંભાળીને રાખે છે, પણ અપમાન તો અનેક વાર મળ્યું છે છતાં....પુણ્યહીન જીવોને માન કરતાં અધિક અપમાન જ મળે છે.