________________
ઉત્તમ મહાપર્વ)
૫
આ રીતે જોકે અનંત જીવો ક્ષમાદિ–સ્વભાવી આત્માનું આલંબન લઈને ક્રોધાદિથી મુકિત પામ્યા છે, તોપણ એથી ય અનંતગણા જીવો આજે પણ આ ક્રોધાદિ વિકારોથી યુકત છે, દુઃખી છે. તેથી આજે પણ આ ધર્મોની આરાધનાની સંપૂર્ણ આવશ્યકતા છે. વળી સુદૂરવર્તી ભવિષ્યમાં પણ ક્રોધાદિ વિકારોથી સંયુકત એવા દુઃખી જીવો રહેવાના છે અને તેથી ભવિષ્યમાં પણ તેની ઉપયોગિતા અસંદિગ્ધ સુનિશ્ચિત છે.
ત્રણે લોકમાં સર્વત્ર જ ક્રોધાદિ દુઃખના અને ક્ષમાદિ સુખનાં કારણો છે. આથી જ આ મહાપર્વ શાશ્વત અર્થાત્ ત્રૈકાલિક અને સાર્વભૌમિક છે, સૌનું છે. ભલે સૌ જીવો એની આરાધના ન કરે, પણ એ પોતાની પ્રકૃતિથી જ સૌનું છે, હતું અને રહેશે.
અષ્ટાલિકા મહાપર્વની જેમ આ પણ વર્ષમાં ત્રણ વાર આવે છે (૧) ભાદરવા સુદી ૫ થી ૧૪ સુધી, (૨) માહ સુદી ૫ થી ૧૪ સુધી અને (૩) ચૈત્ર સુદી ૫ થી ૧૪ સુધી; તોપણ આખાય દેશમાં વિશાળ પાયા પર ખૂબ ઉત્સાહપૂર્વક તો માત્ર ભાદરવા સુદી ૫ થી ૧૪ સુધી જ ઉજવવામાં આવે છે. બાકીના બેને તો ધણાખરા જૈનીઓ પણ જાણતા નથી. પ્રાચીન સમયમાં વરસાદના દિવસોમાં આવવા—જવાની સગવડો પૂરતી નહીં હોવાથી વેપાર આદિ કાર્યો સહજ જ ઓછા થઈ જતાં હતા, તથા જીવોની ઉત્પત્તિ પણ વરસાદમાં ખૂબ થઈ જાય છે. અહિંસક સમાજ હોવાથી જૈન સાધુઓ તો ચાર મહિના સુધી એક ગામથી બીજે ગામ જવાનું બંધ કરી દઈ, એક સ્થાન પર જ રહેતા હોય છે. શ્રાવકો પણ ભ્રમણ કરવાનું ખૂબ ઓછુ કરી દેતા હતા. તેથી ભાદરવા મહિનામાં જ આ પર્વની વિશાળ પાયા પર ઊજવણી કરવામાં સહજ જ સત્સમાગમ અને સમયની સહજ ઉપલબ્ધિ જ વિશેષ કારણ હોય એમ જણાય છે.
એમ તો પ્રત્યેક ધાર્મિક પર્વનું પ્રયોજન આત્મામાં (પોતામાં) વીતરાગ ભાવની વૃદ્ધિ કરવાનું જ હોય છે, પરંતુ આ પર્વ વિશેષપણે આત્મગુણોની આરાધના સાથે સંબંધ રાખે છે; તેથી આ વીતરાગી પર્વ સંયમ અને સાધનાનું પર્વ છે.
પર્વ અટલે મંગળ કાળ, પવિત્ર અવસર, પરમાર્થથી તો પોતાની આત્મ—સ્વભાવની પ્રતીતિપૂર્વક વીતરાગી દશાનું પ્રગટ થવું એ જ સાચું પર્વ છે કેમકે એ જ આત્માને મંગળકારી છે અને પવિત્ર અવસર છે.