________________
પ્રકરણના અંતમાં લેખનથી વિરામ લેતાં લેખક મહાશયે સ્વયં પોતાની મનોગત જે ઉદાત ભાવના વ્યક્ત કરી છે તે તેમના મનની પવિત્રતાની પ્રતીતિ કરાવે છે જેમ કે તેથી હવે અહીં આ પવિત્ર ભાવના સાથે વિરામ લઉ છું કે આ દશલક્ષણ મહાપર્વના પવિત્ર અવસર પર બધા જ આત્મા ધર્મના ઉક્ત દશલક્ષણો સારી પેઠે જાણી, ઓળખી, તદરૂપ પરિણમન કરી પરમ સુખી થાઓ આવી બધાજ આત્મા પ્રત્યેની શુભેચ્છા લેખક મહોદયની નિર્દોષતાની સાક્ષી છે.
ઉત્તમ ક્ષમાદિ ધર્મોની ચર્ચાના પ્રસંગમાં ક્રોધાદિ કષાયોનાં અંતર્બાહ્ય સ્વરૂપોની વિશદ ચર્ચા કરી છે. ત્યાં એ મહત્ત્વની વાત પર ધ્યાન આકર્ષિત કર્યું છે કે ઉત્તમક્ષમાદિ ધર્મ ક્રોધાદિની મંદતા કે તીવ્રતા પર આધારિત નથી પર અનંતાનુબંધી ક્રોધાદિ કષાયોના અભાવ પર આધારિત છે. ક્રોધાદિ મંદ હોય તો પણ જયાં લગી અનંતાનુબંધી ક્રોધાદિનો અભાવ ન થાય ત્યાં લગી ઉત્તમક્ષમાદિ ધર્મ અંશે પણ પ્રગટ થઈ શકતો નથી. અનંતાનુબંધી ક્રોધાદિના અભાવવડે ઉત્તમક્ષમાદિ ધર્મ પ્રગટ થાય છે અને અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનાદિ કષાયોનો અભાવ ઉતમક્ષમાદિને પલ્લવિત કરી વૃદ્ધિગત કરે છે તથા સંજવલન કષાયોનો અભાવ ઉત્તમક્ષાદિને પૂર્ણતા પ્રદાન કરે છે. આમ અનંતાનુબંધી આદિ કષાયોના ક્રમશઃ અભાવપૂર્વકજ ઉતમક્ષમાદિ ધર્મ પ્રગટ થાય છે, ક્રમશઃ વૃદ્ધિ પામે છે અને સંપૂર્ણતાને પ્રાપ્ત થાય છે – એ મૂળભૂત સિદ્ધાંત રહસ્ય સર્વ પ્રકરણોમાં પ્રગટ કરવામાં આવ્યું છે.
ક્ષમાવાણીના અંતિમ પ્રકરણમાં સાંપ્રત સમયમાં આ પર્વ કેવી રીતે વચનવિલાસરૂપ માત્ર બાહ્ય શિષ્ટાચારને પોષતું કૃત્રિમ બની ગયું છે તેનું આબેહુબ ચિત્રણ કરી આ મહાપર્વમાં ઉતમક્ષમાદિ દશધર્મોની આરાધનાથી આપણું હૃદય વાસ્તવિક ક્ષમાદિભાવથી એવું સંપૂર્ણ ભરાઈ જવું જોઈએ કે પૂરા ભરેલા ઘડાની જેમ છલકાઈ જાય અને ક્ષમા દિવાણીરૂપે પ્રગટ થાય તે ક્ષમાવાણી પર્વની સાર્થકતા છે. - નિજાતમાં પ્રતિ અરૂચિરૂપ જે અનંત ક્રોધ તેનો ત્યાગ કરી આપણે આપણા આત્મા પ્રતિ વાસ્તવિક ક્ષમાભાવ ધારણ કરી આત્મામાં જ રમી રહીએ, સ્થિત થઈએ- એવી ભાવના ભાવી ગ્રંથની સમાપ્તિ કરવામાં આવી છે.