________________
ઉત્તમ તપ)
૧૦૯
એના પછી પણ કાંઈ સમજમાં ન આવે તો સમજવાના ઉદ્દેશ્યથી કોઈ વિશેષ જ્ઞાનીને વિનયપૂર્વક પૂછવું એ પૃચ્છના સ્વાધ્યાય’ છે.
જે વાંચ્યું છે તેના પર તથા પૂછવાથી જ્ઞાની પુરૂષ પાસેથી જે ઉત્તર પ્રાપ્ત થયો હોય—એના પર ગંભીરતાપૂર્વક વિચાર કરવો, ચિન્તન કરવું એ ‘અનુપ્રેક્ષા સ્વાધ્યાય’ છે.
વાંચન, પૃચ્છના અને અનુપ્રેક્ષા પછી નિશ્ચિત વિષયને સ્થિર ધારણા માટે વારંવાર ગોખવો, મુખપાઠ કરવો એ ‘આમ્નાય સ્વાધ્યાય’ છે.
વાંચન, પૃચ્છના, અનુપ્રેક્ષા અને આમ્નાય (પાઠ) પછી જયારે વિષય પર પૂરેપૂરો અધિકાર આવી જાય તો એનો બીજા જીવોને હિતાર્થે ઉપદેશ દેવો એ ધર્મોપદેશ’ નામનો સ્વાધ્યાય છે.
ઉકત વિવેચનથી નિશ્ચિત થાય છે કે માત્ર વાંચન એ જ સ્વાધ્યાય નથી, આત્મહિતની દ્રષ્ટિથી સમજવા માટે પૃચ્છના કરવી એ પણ સ્વાધ્યાય છે, ચિન્તન અને પાઠ એ પણ સ્વાઘ્યાય છે, એટલે સુધી કે યશાદિના લોભ વિના સ્વ પરના હિતની દ્રષ્ટિને કરવામાં આવેલો ધર્મોપદેશ પણ સ્વાધ્યાયતપમાં આવે છે..
પરંતુ આમાં એક ક્રમ છે. આજે આપણે તે ક્રમને ભૂલી ગયા છીએ. આપણે શાસ્ત્રો વાંચ્યા વિના જ પૂછવાનું શરૂ કરી દઈએ છીએ. આ કારણે જ આપણા પ્રશ્નો વિસંગત હોય છે. જયાં લગી કોઈ પણ વિષયનો ગંભીરપણે સ્વયં અભ્યાસ ન કરવામાં આવે ત્યાં લગી તત્સંબંધી ગંભીર પ્રશ્નો પણ કયાંથી આવે ?
ઘણા પ્રશ્નો બીજાઓની કસોટી કરવા માટે પણ કરવામાં આવે છે. એ ‘પૃચ્છા સ્વાધ્યાય’ માં ન આવે. જેઓ નિરંતર બીજાઓની બુદ્ધિ પરખવા માટે જ પ્રશ્નો ઉછાળ્યા કરે છે એમનું લક્ષ્ય કરીને મહાકવિ બનારસીદાસે લખ્યું છે ઃ—
પરનારી સંગ પરબુદ્ધિ કૌ પરખવો’
પોતાની જિજ્ઞાસા શાંત કરવા માટે જ વિનયપૂર્વક પ્રશ્ન કરવા જોઈએ. ઉદંડતાપૂર્વક વકતાનું ગળું પકડવાની કોશિશ કરવી એ સ્વાધ્યાયતપ તો છે જ નહી, જિનવાણીની વિરાધના કરવાનું અધમ કાર્ય છે.
૧. બનારસીદાસ : નાટક સમયસાર, સાધ્ય—સાધક દ્વાર, છંદ ૨૯.