________________
ઉત્તમ સત્ય)
આ ચમત્કારપ્રિય વિશ્વમાં સત્યની આવશ્યકતા પણ કોને છે? એને પ્રાપ્ત કરવાની એકમાત્ર તમન્ના કોને છે, તરસ કોને છે? એની કિંમત પણ કોણ કરે છે? અહીં તો ચમત્કારને નમસ્કાર છે.
એક સાધારણ સરખો જાદૂગર બજારમાં રસ્તા ઉપર ઊભો રહી, લોકોને જૂઠી કરી બતાવવીને સેંકડો રૂપિયા એકઠા કરી લે છે, જયારે એક ખેડૂતને સાચી કેરીના પચાસ પૈસા પ્રાપ્ત કરવા પણ કઠણ છે. સાચી કેરી ખરીદતી વેળા લોકો હજાર દોષો કાઢે છે.
જાદૂગર તો માત્ર કરી બતાવે છે, આપતો નથી; જયારે ખેડૂત તો આપે પણ છે. જાદૂગરની પાસે કેરી છે જ નહીં, તે આપે પણ કયાંથી? તે તો છળ રચે છે, હાથની ચાલાકી બતાવે છે, આપણી નજરબંધી કરે છે. પરંતુ આ જગતમાં કપટબાજ આદર પામે છે, ધન પામે છે. આપણને એની મહિમા આવે છે. જે આપણી નજર બંધ કરે છે; એની નહીં જે ખોલે છે. લોકો કહે છે શું કમાલ કરી, કેરી હતી જ નહીં અને બતાવી દીધી છે ને ગજબ! પરંતુ હું કહું છું કે કમાલ છે કે કપટ ! જ્ઞાની તો એને કહેવાય છે. જે હોય એને દેખાડે, જે ન હોય એને દેખાડવાવાળો તો છેતરપિંડી કરનાર, ધૂર્ત જ હોઈ શકે છે. પરંતુ લોકો સત્ય પ્રતિ ઉત્સાહ ધરાવતા નથી, મહિમાવંત થતા નથી; છળયુકત ચમત્કારથી પ્રભાવિત બને છે. કહે છે કે સત્યમાં શું છે? તે તો છે જ, એને દેખાડવામાં શું કૌશલ્ય છે? ચમત્કાર તો જે નથી તેને દેખાડવામાં રહેલો છે.
અસત્ય પ્રતિ જેઓને બહુમાન છે તેઓને સત્ય પ્રાપ્ત થવું માત્ર કઠણ જ નહિં, અસંભવિત પણ છે. સત્ય તો સત્યનાં રૂચિ, મહિમા અને લગની વાળાંઓને જ પ્રાપ્ત થાય છે.
આત્મ સત્યની તીવ્ર રૂચિ જાગૃત થાય, એનો મહિમા આવે, એને પ્રાપ્ત કરવાની તીવ્રતમ લગની લાગે, એને પ્રાપ્ત કરવાનો અન્તરોન્મુખી પુરૂષાર્થ જાગે અને સત્યની પ્રાપ્તિ ન થાય એ અસંભવિત છે. સત્ય શોધનારને સત્ય પ્રાપ્ત થાય જ છે.
આત્મ વસ્તુના સૈકાલિક સત્યસ્વરૂપના આશ્રયે ઉત્પન્ન થવાવાળો વીતરાગપરિણતિરૂપ ઉત્તમસત્યધર્મ માનવ-માનવમાં પ્રગટ થાઓ એવી પવિત્ર ભાવના સાથે વિરામ લઈએ.