________________
૭૮
ધર્મનાં દશ લક્ષણ) પણ વાણીની અપેક્ષા નથી રાખતું અને તે જ્ઞાનની પણ અપેક્ષા નથી રાખતું. તે તો હંમેશા સત્ય જ છે. તેને તે જ સ્વરૂપે જાણવાવાળું જ્ઞાન સત્ય છે, માનવાવાળી શ્રદ્ધા સત્ય છે, કહેનારી વાણી સત્ય છે, અને તદનુકૂળ આચરણ કરવાવાળું આચરણ પણ સત્ય છે. આપણે મૂળ સત્યને જ ભૂલી ગયા છીએ; તો એના આશ્રયે પ્રગટ થવાવાળા જ્ઞાન, શ્રદ્ધાન, ચારિત્ર અને વાણીનું સત્ય આપણાં જીવનમાં કેમ કરી પ્રગટ થાય?
અંતરમાં વિદ્યમાન જ્ઞાનાનંદસ્વભાવી ત્રિકાળિક ધ્રુવ આત્મતત્વ જ, પરમ સત્ય છે. તેના આશ્રયે ઉત્પન્ન થયેલું જ્ઞાન, શ્રદ્ધાન અને વીતરાગ પરિણતિ જ ઉત્તમસત્યધર્મ છે.
આજનો યુગ સમન્વયવાદી યુગ છે. અતિ ઉત્સાહમાં કેટલાક લોકો વસ્તુતત્વના સંબંધમાં પણ સમન્વયની વાતો કરે છે. પરંતુ વસ્તુના સત્ય સ્વરૂપને સમજવાની આવશ્યકતા છે, સમન્વયની નહીં. વસ્તુના સ્વરૂપમાં સમન્વયને અવકાશ જ ક્યાં છે? અને એના સંબંધમાં સમન્વય કરનાર આપણે તે કોણ? સમન્વયમાં બન્ને પક્ષોએ ઝુકવું પડે છે. સમવયનો આધાર સત્ય નથી, શકિત હોય છે. સમન્વયમાં સત્યવાદીની વાત નહીં, શકિતશાળીની વાત માનવામાં આવે છે.
અગ્નિ કેવો છે? ઠંડો કે ગરમ? આ જાણવા માટેની વાત તો હોઈ શકે છે, પરંતુ એમાં સમન્વયની શું વાત છે? જો કોઈ કહે કે અગ્નિ ઠંડો છે અને કોઈ કહે કે ગરમ છે, તો એમાં શું સમન્વય થઈ શકે? પચાસ ટકા ઠંડો અને પચાસ ટકા ગરમ-એમ શું માની લેવાય? જો ન માનો તો સમન્વય નહીં થાય, માની લો તો સત્ય રહેશે નહીં.
વસ્તુના સત્ય સ્વરૂપને આપના સમન્વયનો સ્વીકાર પણ કયાં છે? કદાચિત્ આપ સર્વસંમતિથી પણ અગ્નિને ઠંડો માની લો તો શું અગ્નિ ઠંડો બની જશે? નહીં, કદીય નહીં. અગ્નિ તો જેવો છે તેવો જ રહેશે.
અગ્નિ કેવો છે એ વાસ્તવ માં પંચાયત બેસાડવાને બદલે સ્પર્શ કરીને જાણવું એ સાચો ઉપાય છે. તે જ પ્રમાણે સત્ય વસ્તુતત્વ સંબંધમાં પંચાયતી
અભિપ્રાયને બદલે આત્માનુભવ કરવો એ જ સાચો માર્ગ છે. • વસ્તુના સ્વરૂપની સાચી સમજનું નામ ધર્મ છે. સત્યને સમયની નહી, સમજવાની આવશ્યકતા છે. સત્ય અને શાંતિ સમજથી મળે છે, સમન્વયથી નહીં.