________________
ચૈત્યવદન મહાભાષ્ય
સાધુધર્મ સંબંધી કે શ્રાવકધર્મ સંબંધી જે કોઈ પ્રવૃત્તિ સ્વમતિ પ્રમાણે થાય તે આજ્ઞારહિત હોવાથી સંસારનું કારણ બને છે. કારણકે સંસારને પાર પામવાનાં સાધનોમાં આજ્ઞા જ પ્રમાણ છે, અર્થાત્ સંસારનો પાર પામવાનાં સાધનો પણ આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવામાં આવે તો જ સંસારનો પાર પમાડનારાં બને છે.
પ્રશ્ન – જિનના ઉદ્દેશથી રહિત પ્રવૃત્તિ સ્વમતિ મુજબ કરે તો સંસારનું કારણ બને એ બરોબર છે, પણ જિનને ઉદ્દેશીને જિને આ કરવાનું કહ્યું છે તેમ જિનનું આલંબન લઈને જે પ્રવૃત્તિ કરવામાં આવે તે સંસારનું કારણ શી રીતે બને? કારણ કે તેમાં જિન ઉપર પક્ષપાત છે. જિન ઉપર પક્ષપાત મહાફલવાળું છે.
ઉત્તર – જિનને ઉદ્દેશીને થતી પ્રવૃત્તિ પણ જો સ્વમતિ મુજબ હોય તો પરમાર્થથી તે પ્રવૃત્તિ જિનના ઉદ્દેશવાળી નથી. જ્યાં સ્વમતિ હોય ત્યાં જિનનો ઉદ્દેશ=જિનનું આલંબન હોય જ નહિ. જે આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરે. તે જ જિનને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરે છે અને તેને જ જિન પ્રત્યે પક્ષપાત છે. જે સ્વમતિ મુજબ પ્રવૃત્તિ કરે છે તે પરમાર્થથી જિનને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરતો નથી, અને એથી તેને જિન પ્રત્યે પક્ષપાત પણ નથી. આથી જિનને ઉદ્દેશીને પણ થતી સ્વમતિમુજબ પ્રવૃત્તિ સંસારનું જ કારણ બને છે. (“જિને આ કરવાનું ક્યું છે” એવી બુદ્ધિથી થતી પ્રવૃત્તિ જિનને ઉદ્દેશીને (= જિનના ઉદ્દેશવાળી) છે. પણ “જિને એ કેવી રીતે કરવાનું કહ્યું છે એ મહત્ત્વનું છે. “જિને જે કરવાનું કહ્યું છે” અને “જે પ્રમાણે કરવાનું કહ્યું છે” એ બેમાં “જે પ્રમાણે કરવાનું કહ્યું છે” તે મહત્ત્વનું છે. જિને જે કરવાનું કહ્યું છે તે કરે, પણ જે પ્રમાણે કરવાનું કહ્યું છે તે પ્રમાણે ન કરે તો લાભ ન થાય, બલ્ક નુકશાન થાય એ પણ સંભવિત છે. એટલે જિને જે કરવાનું કહ્યું છે તે જિને જે પ્રમાણે કરવાનું કહ્યું છે તે પ્રમાણે ન કરતાં સ્વમતિ મુજબ કરવામાં આવે તો તેમાં વાસ્તવિક જિનનો ઉદ્દેશ નથી, અર્થાત્ દેખાવથી=બાહ્યથી જિનનો ઉદ્દેશ છે, પણ પરમાર્થથી જિનેનો ઉદ્દેશ નથી. જ્યાં પરમાર્થથી જિનનો ઉદ્દેશ ન હોય ત્યાં જિન પ્રત્યે પક્ષપાત પણ ન હોય. જિને આ કરવાનું કહ્યું છે તેમ જિનનું આલંબન લઈને થતી કોઇપણ ધર્મપ્રવૃત્તિ જિનના ઉદ્દેશવાળી છે. અથવા જિનને આશ્રયીને થતી જિનભવન નિર્માણ જિનબિંબ પ્રતિષ્ઠા, જિનબિંબપૂજા વગેરે જિનભક્તિ સંબંધી પ્રવૃત્તિ જિનના ઉદ્દેશવાળી છે.) (100)
कयमेत्थ पसंगेणं, नोवाएयं न या वि मोत्तव्वं । समईएऽणुट्ठाणं, परिणामविसुद्धकामेहिं ॥१११॥