________________
પ્રસ્તુત ગ્રંથનો સંક્ષિપ્ત સાર
સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્ર એ ત્રણે મળીને મોક્ષમાર્ગ છે. આ ત્રણમાં સર્વ પ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. આથી સર્વ પ્રથમ સમ્યગ્દર્શનને મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. આથી જ તત્ત્વાર્થાધિગમ ગ્રંથના પ્રથમ સૂત્રમાં સમ્યગ્દર્શન શબ્દનો ઉલ્લેખ સર્વ પ્રથમ ક૨વામાં આવ્યો છે. સમ્યગ્દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર હોઈ શકે છે, પણ સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર ન જ હોય. સમ્યગ્દર્શન રહિત જ્ઞાન અને ચારિત્ર સરકારના સિક્કા વિનાના નાણા સમાન છે.
અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન ચોરની ચતુરાઈ સમાન છે. ચોરની ચતુરાઈનો ઉપયોગ શેમાં થાય? એ ચતુરાઈનો સદુપયોગ થાય કે દુરુપયોગ થાય? ચોરની ચતુરાઈથી સ્વ-પરને નુકશાન જ થાય. શ્રદ્ધારહિત જ્ઞાની સ્વપરનું જેટલું અહિત ન કરે તેટલું ઓછું ! ઈતિહાસનાં પાનાં આપણને કહે છે કે, શ્રદ્ધા રહિત જ્ઞાનીએ જેટલું સ્વ-પરનું અહિત કર્યું છે, તેટલું શ્રદ્ધારહિત અજ્ઞાનીએ નથી કર્યું. શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે વિશેષબોધથી રહિત શ્રદ્ધાળુ હિત સાધી શકે છે, પણ શ્રદ્ધારહિત વિશિષ્ટ જ્ઞાની પણ હિત સાધી શકતો નથી. આમ અપેક્ષાએ જ્ઞાનથી પણ શ્રદ્ધાની મહત્તા વધારે છે. માટે જ મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શનનો સર્વ પ્રથમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મોક્ષને નગર તરીકે ઓળખીએ તો સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્ર મોક્ષ નગરમાં લઈ જનારી રેલવે છે અને સમ્યગ્દર્શન એ રેલવેમાં બેસવાની ટિકિટ છે. ટિકિટ વિના રેલ્વેમાં મુસાફરી થઈ શકે નહિ, કદાચ કરે તો પણ ટી.ટી. આવે એટલે તેને નીચે ઊતરી જવું પડે. તેમ પ્રસ્તુતમાં કેટલીક વાર જીવ સમ્યગ્દર્શન વિના જ્ઞાન અને ચારિત્રના બળે સ્વર્ગમાં ઠેઠ નવ ચૈવેયક સુધી જઈ આવે છે, પણ ત્યાથી પુનઃ અવશ્ય નીચે ઊતરવું પડે છે. સમ્યગ્દર્શન વિના મોક્ષ સુધી તો ન જ જઈ શકાય.
આથી મોક્ષના સાધકે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય, પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન અધિક નિર્મલ બને એ માટે પ્રયત્ન કરવો જોઈએ. સમ્યગ્દર્શનની પ્રાપ્તિના અને સમ્યગ્દર્શનને નિર્મલ બનાવવાના જિનવાણી શ્રવણ, પરમાત્મ પૂજા અને સાધુસેવા વગેરે અનેક ઉપાયો છે. પ્રસ્તુત ગ્રંથમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરાવનાર અને પ્રાપ્ત સમ્યગ્દર્શનને નિર્મળ બનાવનાર ૫૨માત્મ પૂજાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. ૫૨માત્મપૂજાના દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકાર છે. જલ વગેરે દ્રવ્યોથી થતી પૂજા દ્રવ્ય પૂજા છે. દ્રવ્ય વિના અંતરના ભાવથી થતી પૂજા ભાવપૂજા છે. જલપૂજા વગેરે દ્રવ્યપૂજા છે. ચૈત્યવંદન ભાવપૂજા છે. પ્રસ્તુત ગ્રંથમાં આ બંને પ્રકારની પૂજાનું વર્ણન છે. પણ મુખ્યતયા ચૈત્યવંદન રૂપ ભાવપૂજાનું વર્ણન છે. ચૈત્યવંદનનું વિસ્તારથી વર્ણન હોવાથી જ આ ગ્રંથનું ચૈત્યવંદન