________________
ધર્મપત્નીનો પ્રતાપ છે. આમ બોલતાં તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
મૂર્તિ પણ પૂજનીય છે એ વિષે ભાવનગરના રાજકુમારનો પ્રસંગ જાણવા જેવો છે. એ રાજકુમારની ઉંમર સાતવર્ષની હતી ત્યારે તેના પિતાનો સ્વર્ગવાસ થયો. આથી રાજકુમારને, અન્ય રાજપરિવારને અને ભાવનગરના રાજ્યને સંભાળવાની જવાબદારી પ્રભાશંકર પટ્ટણીના શિરે આવી. પ્રભાશંકર પટ્ટણી ભાવનગરના રાજાના અતિશય પ્રીતિપાત્ર હતા અને મુખ્ય સલાહકાર હતા. રાજકુમારને વિવિધ વિષયોનું સંગીન શિક્ષણ મળે એ માટે પ્રભાશંકરભાઈએ રાજમહેલમાં ભણાવવા આવવા માટે તે તે વિષયના નિષ્ણાત શિક્ષકોની નિમણુંક કરી. રાજકુમાર તેમની પાસે અભ્યાસ કરવા લાગ્યો. એકવાર એક અંગ્રેજ શિક્ષક મૂર્તિપૂજાથી વિરુદ્ધ વાતો કુમારને કહી રહ્યો હતો. પ્રભાશંકરભાઈએ આ જાણ્યું. તેઓ તુરત ત્યાં ગયા. મૂર્તિપૂજા સત્ય છે એ વાત રાજકુમારના મગજમાં ઠસાવવા રાજકુમારને કહ્યું: આપની પાટીમાં મારું નામ લખો. રાજકુમારે તેમ કર્યું. પછી પ્રભાશંકરભાઈએ કહ્યું. હવે આપ આ નામ ઉપર થૂકો. રાજકુમારે કહ્યું એ કદી ન બને. આપ મારા મુરબ્બી છો. પ્રભાશંકરભાઈએ કહ્યું. પણ આપ મારા ઉપર કયાં ઘૂંકી રહ્યા છો! માત્ર પથ્થરની પાટી ઉપર લખાયેલા સામાન્ય અક્ષરો પર થુંકવાનું છે. અક્ષર તો જડ છે. રાજકુમારે કહ્યું: આ અક્ષરો કાંઈ સામાન્ય અક્ષરો નથી. મારા પૂજનીયના નામના સૂચક અક્ષરો છે. આ અક્ષરો ઉપર થુંકવું એટલે આપના નામ ઉપર થુંકવું. પૂજનીયના નામ ઉપર થુંકવું એ તો મહાપાપ ગણાય.
- કુમારના મગજમાં મૂર્તિપૂજાની પૂજનીયતાને અધિક ઠસાવવા પ્રભાશંકરભાઈએ ફરી કુમારને કહ્યું: સામે દિવાલ ઉપર ટીંગાતા મહારાજા સાહેબના ફોટાને નીચે ઉતારી એના ઉપર બૂટનો પ્રહાર કરો. કુમારે કહ્યું: અરરર! એવું તે કરાતું હશે. પ્રભાશંકર ભાઈએ પૂછ્યું: શા માટે ન કરાય? એ મહારાજા પોતે તો છે નહિ. કેનવાસના કપડા ઉપર ચીતરેલું સામાન્ય ચિત્ર જ છે.
કુમારે કહ્યું: હા, એ ચિત્ર ખરું. પણ તે ચિત્ર કોનું છે ? મારા પિતાજીનું છે. મારા પિતાજીના ચિત્રને બૂટ મારવી એ મારા પિતાજીને જ બુટ મારવા બરાબર છે. આથી હું એને બૂટ ન મારી શકું. હવે પ્રભાશંકરભાઈએ મૂળ વાત ઉપર આવતાં કહ્યું. આવું જ મૂર્તિપૂજાનું છે. મૂર્તિની પૂજા એ ખરેખર તો મૂળ વ્યક્તિની જ પૂજા છે. એટલે ભગવાનની મૂર્તિની પૂજા એ ભગવાનની જ પૂજા છે.
મૂર્તિપૂજા કોઈએ નવી ઉપજાવેલી નથી, અનાદિકાળથી છે. જ્યારે ભગવાન સાક્ષાત્ વિદ્યમાન હોય છે ત્યારે પણ મૂર્તિપૂજા હોય છે. કારણ કે ભગવાન સાક્ષાત્ હોય ત્યારે પણ કોઈ એક જ ક્ષેત્રમાં હોય, એટલે તે સિવાયના ક્ષેત્રમાં ભક્તો ભગવાનની મૂર્તિ બનાવીને તેની પૂજા કરતા હતા.