________________
શ્રી નમિનાથજી & 905
છે અને ભાવિમાં જેના અવલંબને અનેક આત્માઓ કલ્યાણ સાધવાના છે; તેવા આત્મહિતકર આગમ પુરુષના અંગોને છેદવાનું કાર્ય, ભારે કર્મી સિવાય બીજા આત્માઓ દ્વારા થઈ શકે તેમ નથી.
આગમના મૂળ સૂત્રો જે ગણધર રચિત છે તેને સૂત્ર કહેવાય. તે સૂત્ર માત્ર વસ્તુ સ્વરૂપનું સૂચન કરતા હોવાથી તેમજ તેમાં ઘણા ગંભીર રહસ્યો ભરેલા હોવાથી તેને સૂત્ર કહેવાય. ટૂંકમાં થોડામાં ઘણું સમાવી દેવામાં જે સમર્થ હોય તેવી રચના એ સૂત્ર છે.
પૂર્વધર મહર્ષિ વાચકવર ઉમાસ્વાતિ દ્વારા રચાયેલ તત્ત્વાર્થને પણ તત્ત્વાર્થ સૂત્ર કહેવાય છે. તેમ અન્યદર્શનમાં થઈ ગયેલ પતંજલિ ઋષિ દ્વારા રચાયેલ યોગદર્શન, તે પણ સૂત્રાત્મક શૈલિમાં હોવાથી તેને પણ યોગસૂત્ર કહેવાય છે.
જેમાં સૂત્રના શબ્દોને છુટા પાડી, સૂત્રના અર્થને યથાર્થ રીતે વિસ્તારથી યુક્તિપૂર્વક યોજન કરી બતાવવામાં આવે, તેવા પ્રકારની રચનાને નિર્યુક્તિ કહેવાય. નિયુક્તિના રચયિતા ચૌદપૂર્વધર ભગવાન ભદ્રબાહુસ્વામી છે. તે નિયુક્તિના રહસ્યો પણ જ્યારે સમજવામાં મુશ્કેલી પડવા લાગી ત્યારે મહાપુરુષોએ નિર્યુક્તિના રહસ્યો જરા વિસ્તારથી સમજાવે તેવા ભાષ્યની રચના કરી, એ ભાષ્યના અર્થને પણ સરળ કરીને સમજાવે તેવી ચૂર્ણિની રચના કરી અને જેમાં સૂત્રના રહસ્યોને અત્યંત સરળતાપૂર્વક અને સહેલાયથી સમજાવી શકાય તે માટે વૃત્તિ એટલે ટીકાઓનું સર્જન કર્યું. ભગવાન ઉમાસ્વાતિ મહારાજા વગેરે ભાષ્યકાર કહેવાય. ચૂર્ણિના રચયિતા જિનદાસ મહત્તર કહેવાય અને વૃત્તિકારટીકાકાર તરીકે ભગવાન હરિભદ્રસૂરિજી, શીલાંકાચાર્ય, અભયદેવ સૂરિ, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા વગેરે ગણાવી શકાય.
જેનો સંબંધ થાય છે અને છૂટી જાય છે અને સદા સાથે રહેતું નથી; તેને મિથ્યા કહેવાય છે-અસત્ કહેવાય છે-વિનાશી કહેવાય છે.