________________
884
હૃદય નયન નિહાળે જગધણી
વિવેચનઃ આપણા શરીરમાં પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. કર્મેન્દ્રિયોમાં ૧) બે હાથ ૨) બે પગ ૩) પેટ ૪) ગુદા ૫) ઉપસ્થ એટલે જનનેન્દ્રિય છે જ્યારે જ્ઞાનેન્દ્રિયમાં ૧) સ્પર્શેન્દ્રિય ૨) રસનેન્દ્રિય ૩) ઘ્રાણેન્દ્રિય ૪) ચક્ષુરીન્દ્રિય અને ૫) શ્રોત્રેન્દ્રિય છે. કર્મેન્દ્રિય દ્વારા કર્મ થાય છે-ક્રિયા થા છે. જ્ઞાનેન્દ્રિય દ્વારા જ્ઞાન થાય છે. આ બન્ને પ્રકારની ઈન્દ્રિયોનું સંચાલક મન છે અને તે મનનું સ્થાન પણ શ્રેષ્ઠ એવા ઉત્તમાંગ મસ્તિષ્કમાં છે. મસ્તિષ્કને ઉત્તમાંગ કહેલ છે. કારણકે પાંચે યા જ્ઞાનેન્દ્રિયનું અને મનનું સ્થાન મસ્તિષ્ક છે. વળી મસ્તિષ્કથી જ જીવનું જીવન છે. અન્ય અંગનું છેદન થતાં કે પછી કાર્યશક્તિ ગુમાવી દેવા છતાં જીવી શકાય છે. પરંતુ મસ્તિષ્ક એની કાર્યશક્તિ ગુમાવી બેસે કે એનું છેદન થતાં જીવનની સમાપ્તિ થઈ જાય છે.
તેથી જ નમન-વંદનક્રિયામાં મસ્તિષ્કનું નમન સર્વસ્વ સમર્પિતતાના ભાવનું સૂચક છે. આ ઈન્દ્રિય પ્રદાનમાં કુદરતની કરામત એ છે કે બધી ઈન્દ્રિયો બે છે અને કાર્ય એક છે જ્યારે જનનેન્દ્રિય અને જીહુવા-રસનેન્દ્રિય એક છે અને તેના કાર્ય બે છે. અને પાછી તે હાડકા વિનાની છે. આ બે ઉપર કાબુ મેળવાય તો બાકીની બધી ઈન્દ્રિયો કાબુમાં આવી શકે છે.
જૈનદર્શન એ વીતરાગ-સર્વજ્ઞ પ્રણીત હોવાથી તે પૂર્ણનું આપેલું છે માટે પૂર્ણ છે. પૂર્ણમાંથી હંમેશા પૂર્ણ જ નીકળે-અને સતત નીકળે. વાદળા વિનાના સૂર્યમાંથી પૂર્ણપ્રકાશ જ નીકળે અને ત્રણેકાળ નીકળે. વળી પૂર્ણમાં અપૂર્ણ સમાઈ જાય પણ અપૂર્ણમાં પૂર્ણ ન સમાય. જેમ ૧૦૦ની રકમમાં ૯૯ સમાઈ જાય પણ ૯૯માં ૧૦૦ ન સમાય. સાગરમાં નદી સમાઈ જાય પણ નદીમાં સાગર ન સમાય. વળી નદીની ઉત્પત્તિનું મૂળ પણ સાગર છે.
સંજ્ઞીપણા વિના, ભવ્યતા વિના, ચારિત્ર્ય વિના, જીવને મોક્ષ મળતો નથી.