________________
1252 , હૃદય નયન નિહાળે જગધણી
અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એમ ચાર ભેદથી ક્રોધમાન-માયા અને લોભારૂપ કષાય પરિણામથી સોળ પ્રકારનો મુખ્યતયા જણાવેલ છે અને દ્રવ્યયોગને જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ શુભાશુભતા વડે મુખ્યતયા છ પ્રકારના લશ્યાના સ્વરૂપથી જણાવેલ છે અને તે સાથે તેમાં પણ દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યાનાં ભેદો પણ જણાવેલ છે.
ઉપર જણાવેલ યોગવીર્ય સ્વરૂપથી તેમજ વિવિધ કષાય પરિણામથી જીવે આત્મપ્રદેશ સાથે કરેલ કર્મબંધન પણ અનેકવિધ વિવિધ કારણો વડે અનેક સ્વરૂપવાળું હોય છે તે વળી પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત એમ ચાર સ્વરૂપવાળું હોય છે.
આ પ્રમાણે આત્મકર્તૃત્વ પરિણામથી પ્રત્યેક સમયે જે જે હેતુઓ વડે જે જે પ્રકારના કર્મ બંધાય છે તેમજ કરણવિશેષથી બાંધેલા કર્મોમાં જે જે ફેરફારો થતાં રહે છે, તેનું વિસ્તારથી યથાર્થ સ્વરૂપ ગીતાર્થ ગુરૂ ભગવંત પાસેથી જાણી લેવું.
વળી કષાયરહિત જે યોગ તે ઈર્યાપથિક યોગ જાણવો અને આત્માનું આત્મગુણોમાં પ્રવર્તન તે અલેશી-અકરણ વીર્ય પ્રવર્તન જાણવું. આ અકરણ વીર્ય પ્રવર્તનને શાસ્ત્રકારોએ ભાવ ચારિત્ર કહ્યું છે –
आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद् आत्मनि ।
तदेव तस्य चारित्रं, तज्ज्ञानं तच्च दर्शनम्।। વળી પણ આ માટે કહ્યું છે કે,
જ્ઞાનદશા જે આકરી, તે ચરણ વિચારો; નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો.
વિરાગ-સહિષ્ણુતા-ત્યાગ એ ઘર્મ છે.