________________
શ્રી નમિનાથજી
877
આહારરૂપે ગ્રહણ કરી તેમાંથી શરીરનું નિર્માણ કરે છે; જે પંચભૂત સ્વરૂપ તત્ત્વોને ગ્રહણ કરીને વધે છે, ટકે છે અને જ્યારે એમાંથી આત્મા નીકળી જતાં આત્માથી વિખૂટું પડી જાય છે ત્યારે એને પાછુ પંચમહાભૂતને હવાલે કરાય છે.
અગ્નિ સંસ્કાર કરવા દ્વારા અગ્નિને, કબ્રસ્તાનમાં જઇ કબરમાં દાટવા દ્વારા પૃથ્વીને, ગંગા વગેરે પવિત્ર નદીઓમાં જલશરણ કરવા દ્વારા જલને, જંગલમાં ત્યજી દેવા દ્વારા કે પારસી સંસ્કાર મુજબ દોખમામાં રાખવા દ્વારા વાયુ તત્ત્વને સોંપાય છે; જેમાં બધામાં આકાશ તો સર્વવ્યાપી હોવાના કારણે તેનો તો સમાવેશ થઈ જ જાય છે. પંચભૂત એ પોકળ તત્ત્વ છે. તેમાં પોલાણ છે, વિનાશી છે, તેની રચનાઓ પરિવર્તનશીલ છે. ખાલીપો છે, નક્કરતા નથી જ્યારે આત્મા એ પૂર્ણ, અખંડ, અવિનાશી અને નક્કર ઘન તત્ત્વ છે. જ્ઞાન અને આનંદથી ઘન બનેલ છે. તેની આ ઘનતામાં અન્ય તત્ત્વને પ્રવેશવાનો અવકાશ નથી. અજ્ઞાનને કારણે જીવને આત્મા નથી ઓળખાતો એટલે પંચભૂતમાં પોતાનાપણું કરે છે. જીભ ઉપર ગમે તેટલી મીઠાશ-સેક્રિન રાખશો પણ જો અંતરમાં વિવેક નહિ જાગે તો મોક્ષ નહિ મળે. સંયોગકાલે સંયોગોનો સમભાવે નિકાલ અને તે સિવાયના કાલમાં આત્મામાં-સ્વરૂપમાં રમણતા એ વિવેક છે. ચાર્વાકમતને પેટ ના સ્થાને મૂકી પેટ જેમ ખાલી છે, પોકળ છે તેમ ચાર્વાક મત પોકળ છે; એમ યોગીરાજ સિદ્ધ કરવા માંગે છે.
આમ દેહનિર્માણથી માંડીને દેહવિલય સુધી પંચમહાભૂતનો ચક્રાવો જ છે. જે ઉત્પત્તિ સ્થાને અર્થાત્ યોનિમાં આવેલ જીવના આહારગ્રહણથી માંડીને આત્માથી વિખૂટો પડી જતાં વિસર્જન દ્વારા સમાપ્ત થાય છે. આમ ચાર્વાકના મતે બધું અભાવ સ્વરૂપ એટલે કે નાસ્તિ સ્વરૂપ જ છે.
શક્તિ અને કળાનો સદુપયોગ-દુરુપયોગ ઉભય શક્ય છે. જ્યારે ગુણનો તો માત્ર સદુપયોગ જ હોય છે.