________________
શ્રી મહાવીરજી , 1199
. સંશોધકોનું કહેવું છે કે આ સ્તવન આનંદઘનજીના નામે અન્ય દ્વારા રચાયેલ છે. એ જે હોય તે જ્ઞાની જાણે પણ આ સ્તવન અત્યંત વિચારણીય તો જરૂર છે જ.
વીર્યંતરાય કર્મના સંપૂર્ણ ક્ષયથી અનંત વીર્ય પ્રભુને પ્રગટ થએલ હોવાથી, પ્રભુ સાચા વીર બન્યા હોવાથી તેમની પાસે વીરપણાની માંગણીરૂપ આ સ્તવન છે.
વીર જિનેશ્વર ચરણે લાગું, વીરપણું તે માંગુ રે, મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યે, જિત નગારું વાગ્યું રે. વીર.૧
અર્થ અત્યંત અદ્ર બનીને કવિશ્રી કરૂણાસાગર મહાવીર પ્રભુના ચરણોમાં પડીને તેમની ચરણરજ માથે ચડાવી રહ્યા છે અને ભાવવિભોર બનીને વીર પ્રભુ પાસે વીરત્વની માંગણી કરી રહ્યા છે કે હે કરૂણાવંત કૃપાળુ દેવ ! આપે સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા પછી બાપુકી મિલ્કત સમજીને આત્મઘરમાં પેસી ગયેલા કર્મોને મારી હટાવવા કર્મસત્તા સામે આંતર જંગ ખેલ્યો, વીર રસ પ્રગટાવ્યો, વિજય મેળવ્યો તેવો વીરરસ મારામાં ઉછળતો જ નથી તેને પ્રગટાવવાનું જોમ-કૌવત જે બહાર આવવું જોઈએ તે આવતું નથી. તે વીરરસની માંગણી કવિશ્રી પ્રભુ પાસે કરી રહ્યા છે.
. તેઓશ્રીની આવી માંગણી તેમની આંતરદશાને સૂચવે છે કે તેમના આત્મામાંથી મિથ્યાત્વનો-અજ્ઞાનનો અનાદિકાલીન અંધકાર દૂર થયો છે, શુદ્ધ સમ્યકત્વ પ્રકાશ્ય છે, તેથી કર્મસત્તા ઉપર વિજય મેળવવા રૂપ નોબતનો નાદ ધ્વનિ વાગી રહ્યો છે. જ્યારે આત્મા કર્મસત્તા સામે વિજય મેળવે છે ત્યારે પ્રકૃતિ ખુશ થઈને તે આત્માના મસ્તકના અંદરના ભાગમાં નોબતના દિવ્ય નાદ વાગતા હોય તેવો અનુભવ સાધકને કરાવે છે.
આત્મવિજ્ઞાનથી બધાં ભેદ ટળે અને બધાં પ્રત્યે આત્મભાવ આવે તો અભેદતા આવે.