________________
1170
હૃદય નયન નિહાળે જગધણી
અને સર્વદર્શી સિદ્ધ ભગવંતોમાં પણ પોતપોતાના અનંત ગુણોની ત્રિવિધ (કરણ, ક્રિયા, કાર્ય સ્વરૂપી) વર્તના પણ એક અગુરુલઘુગુણની વર્તનામાં પરિણામ પામતી હોય છે. આથી સર્વ કેવલી ભગવંતો કેવળજ્ઞાને કરીને પોતાની અનાદિ-અનંત નિત્યતાને પ્રત્યક્ષ સ્વરૂપે જાણતા હોવાથી, તેમના જ્ઞાનમાં જગતના તમામે તમામ જડ-ચેતન દ્રવ્યોના સૈકાલિક પરિણામો પણ જણાતા હોવાથી, તે તમામ જડ-ચેતન દ્રવ્યોનું પણ અનાદિ-અનંત નિત્યપણું જણાવ્યું છે અને આથી જ જગતના સમસ્ત દ્રવ્યોના, વિવિધ . હેતુઓ સહિત પરિણામ પામતાં સમસ્ત પરિણામોને યથાર્થ-અવિરુદ્ધ સ્વરૂપે જણાવ્યા છે.
જળ અને દર્પણમાં કોઈ પદાર્થો પ્રવેશ કરતા નથી. તે જ પ્રમાણે, દર્પણ અને જળ પણ કોઈ પદાર્થોમાં પ્રવેશ કરતા નથી, છતાં દર્પણની સામે આવનારા પદાર્થો દર્પણમાં સ્પષ્ટ દેખાય છે, તેવી રીતે શેયનો જ્ઞાનમાં કે જ્ઞાનનો શેયમાં પ્રવેશ થયા વિના કે સન્મુખ થયા વિના આત્માને પ્રત્યેક પદાર્થનું જ્ઞાન થાય છે. વળી અરીસામાં દેખાતા પોપટ કે ચકલા બીજે ઉડી જાય તો તેથી અરીસાને કોઈ નુકસાન નથી, તેવી જ રીતે જ્ઞાનમાં ભાસતા શેય પદાર્થોનો નાશ થઈ જાય કે અન્ય રૂપે રૂપાંતર-પર્યાયાન્તર થઈ જાય તો તેનાથી આત્માના જ્ઞાન સ્વભાવનો કાંઈ નાશ થઈ શકતો નથી. જળ અને દર્પણમાં પ્રતિબિંબિત થવા માટે પર્દાથનું જળ અને દર્પણની સન્મુખ હોવું જરૂરી છે. એ એકદેશીય દૃષ્ટાંત છે. જ્ઞાનની વિલક્ષણતા અને મહાનતા તો એ છે કે જ્ઞાન સન્મુખ ન હોવા છતાંય સર્વજ્ઞેયો જ્ઞાનમાં દેખાય-જણાય છે. પ્રત્યેક વસ્તુમાં શેયત્વ ગુણ રહેલ છે તેથી જ વસ્તુ જ્ઞાતા સન્મુખ નહિ હોવા છતાં તેની જાણ-તેનું જ્ઞાન શક્ય બને છે.
આત્મા માત્ર ભાવ સ્વરૂપ છે.