________________
શ્રી પાર્શ્વનાથજી 1119
પારિણામિક ભાવે જીવનું પૂર્ણ, અનંત, શુદ્ધ, અખંડ, અભંગ, અક્ષય, શાશ્વત, સર્વોચ્ચ, સ્વાધીન, અપ્રતિષ્ઠત સ્વરૂપ રહેલું છે; તેની શ્રદ્ધા કરી, તેવા સ્વરૂપને પ્રગટાવનાર પ્રગટ પ્રભાવી પુરુષાદાનીય શ્રી પાર્શ્વપ્રભુનું આલંબન લઈએ, તો આપણો આત્મા ધ્રુવપદનો ભોગી એટલે ‘ધ્રુવપદરામી’ બની શકે છે. આત્મ રમમાણ બનીને સક્રિય મટી જઈ અક્રિય બની, શ્રમીમાંથી વિશ્રામી થઈ, “ધ્રુવ આરામી હો થાય” એ પંક્તિને ચરિતાર્થ કરનારો બની શકે છે.
આત્મરમણતા દ્વારા ‘ધ્રુવપદ’ને પ્રાપ્ત કરાવી આપનાર સાધુની સાધુતાના સર્વભેદની સ્પષ્ટ સમજૂતિ આપનાર પરિશિષ્ટમાં આપેલ વિદુષી સાધ્વીજી શ્રી નંદીયશાશ્રીજીનો ચિંતનાત્મક લેખ જોઇ જવા જિજ્ઞાસુને ભલામણ છે. .
સર્વવ્યાપી કહે સર્વ જાણંગપણે, પર પરિણમન સ્વરૂપ સુજ્ઞાની, પરરૂપે કરી તત્ત્વપણું નહીં, સ્વસત્તા ચિહ્નરૂપ.. સુજ્ઞાની..૨
અર્થ : હે સ્વામી ! તમને લોક-અલોકમાં વ્યાપીને રહેલ જો કોઈ કહે, તો તે સર્વ જાણંગપણે ઘટી શકે તેમ છે. તમે ત્રણેકાળના, સર્વ ક્ષેત્રના સઘળા પદાર્થોને તેના અનંત અનંત ગુણ-પર્યાયો સહિત એક સમય માત્રમાં જાણો છો! આમ સર્વ વસ્તુના જ્ઞાતાપણાથી જ આપ સર્વ વ્યાપી થઈ શકો છો! બાકી પર વસ્તુમાં પરિણમન પામવા સ્વરૂપે અર્થાત્ પર વસ્તુમય થવા સ્વરૂપે આપનામાં સર્વવ્યાપીપણું ઘટી શકતું નથી. “પર રૂપે કરી'' એટલે પરભાવથી તત્ત્વપણું તે સર્વવ્યાપીપણું નથી (અથવા જો) પરભાવ રૂપે પામવા વડે કરીને સર્વવ્યાપીપણું માનવામાં આવે તો તત્ત્વપણું એટલે આત્મગુણમયતા-આત્મપણું નહિ રહી શકે કેમકે સ્વ સત્તા એટલે આત્મસત્તા તો ચિપ છે, જ્ઞાનરૂપ છે.
કાં' તો નિત્યને નિત્ય સમજી નિત્ય બની જા !
અથવા તો અનિત્યને અનિત્ય સમજી અનિત્યથી છૂટી નિત્ય બની જા !