________________
1026
હૃદય નયન નિહાળે જગધણી
મૂળ કારણોથી આપ પરાક્રમુખ છો તેથી ગુહ્ય છો, વૃક્ષના મૂળમાં બીજનું રુપાંતર જેમ ગુહ્ય છે તેમ આપ સર્વ કાર્ય કરવામાં પણ ગુહ્ય છો !!! તલમાં તેલ, ફુલમાં સુગંધ, અરણી કાષ્ટમાં જેમ અગ્નિ ગુહ્ય છે તેમ આપ સ્વરૂપથી ગુહ્ય છો, બંધ-મોક્ષના પરિણામથી પણ આપ ગુહ્ય છો, કર્તાકર્મ પરિણામથી પણ આપ ગુહ્ય છો, કાર્ય-કારણના ભેદથી પણ આપ ગુહ્ય છો, જ્ઞાન-દર્શનની વિશુદ્ધિથી પણ આપ ગુહ્ય છો, સ્વરૂપાચરણ ચારિત્રથી આપ ગુહ્ય છો, આપનામાં રહેલી અનંતાનંત શક્તિઓના ગોપનીયત્વથી આપ ગુહ્ય છો, અનંત-વીર્યશક્તિના સ્ફુરણથી આપ ગુહ્ય છો, આપ ઈન્દ્રિયાતીત છો, અંતઃકરણ અને તેના વિકારોથી આપ મુક્ત છો. દ્રવ્યકર્મ-ભાવકર્મ અને નોકર્મ જે શરીરસ્થ છે તેનાથી આપ પર છો, તે બધાના કારણે આપ ગુહ્ય છો, વસ્તુ સ્વરૂપને પૂર્ણ રીતે જાણનાર છો તેથી આપ ગુહ્ય છો, ગતિ-આગતિના રૂંધનથી આપ પર છો તેથી આપ ગુહ્ય છો, નામકર્મની પ્રકૃતિઓથી આપ પર છો તેથી આપ ગુહ્ય છો, જીવાદિ નવ તત્ત્વો તેમજ ષદ્રવ્યના પૂર્ણ જ્ઞાતા છો, ચેતન-અચેતન સ્વરૂપના જાણનારા છો તેથી આપ ગુહ્ય છો !!!
આપ સ્વરૂપમાં રમમાણ છો, નિશ્ચય-વ્યવહારના ભેદાભેદ જ્ઞાનથી યુક્ત હોવા છતાં તેનાથી અતીત છો માટે આપ ગુહ્ય છો ! આપ સ્વપર પ્રકાશક છો, આપનું સ્વરૂપ સામાન્ય-જીવો જાણી શકતા નથી માટે આપ ગુહ્ય છો, વ્યક્તાવ્યક્ત સ્વરૂપથી પરા મુખ છો તેથી આપ ગુહ્ય છો !
ગુપ્તતા આપનો સ્વભાવ છે તેથી આપ અતિશય ગુહ્ય છો. આ પ્રમાણે શ્રીમદ્ આનંદઘનજી મહારાજા રાજીમતિના સ્વાંગમાં પોતાની આંતરવેદનાને ઠાલવતાં ‘ગુહ્ય’ શબ્દની ગાંભીર્યતાને જણાવી રહ્યા છે કે “એક ગુહ્ય ઘટતું નથી રે, સઘળો યે જાણે લોગ'...
આત્મામાંથી અજ્ઞાન જાય તો શાસ્ત્રજ્ઞાન પામ્યું પ્રમાણ લેખાય.